ગાંધીનગર,તા.10
ગુજરાત વિધાનસભામાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે મહેસૂલ વિભાગની કુલ ₹૫૫૫૧ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરી હતી, જેને ગૃહમાં મંજૂરી આપવામાં આવી હતી. ગત વર્ષના ₹૫૪૨૭ કરોડના બજેટની સરખામણીએ આ વર્ષે ₹૧૨૪ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આ બજેટમાં ટેકનોલોજીના વ્યાપ, વહીવટી પારદર્શિતા અને નાગરિકોને ઝડપી સેવાઓ પહોંચાડવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.મહેસૂલ રાજય મંત્રીએ જણાવ્યું હતું કે મહેસૂલ સેવાઓને નાગરિકોના દ્વાર સુધી પહોંચાડવા માટે iORA પોર્ટલ દ્વારા ખેડૂત ખરાઈ અને વારસાઈ નોંધ સહિત ૩૯ જેટલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે.
સિટી સર્વે માહિતી પ્રણાલી અને ઈ-ધરા સાથે જોડાણથી હવે બિનખેતીની પરવાનગી મળતાની સાથે અરજદારોને સીધા જ ડિજિટલ મિલકત કાર્ડ મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ માટે ₹૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.રાજ્યમાં નાગરિક સેવાઓના ઝડપી નિરાકરણ માટે ‘વન ડે સર્વિસ’ હેઠળ ૫૦ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૨.૯૦ કરોડથી વધુ આવકના દાખલાની અરજીઓ, ૨.૧૪ કરોડથી વધુ રેશનકાર્ડ સંબંધિત અરજીઓ, ૫૧ લાખથી વધુ નોન ક્રીમીલેયર પ્રમાણપત્રની અરજીઓ અને લાખો અન્ય અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. એ.ટી.વી.ટી. અંતર્ગત જનસેવા કેન્દ્રો દ્વારા અત્યાર સુધીમાં ૭.૯૮ કરોડથી વધુ અરજીઓનો નિકાલ થયો છે. એ.ટી.વી.ટી. અને ઈ-ધરા માટે ₹૧૩૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
તેમણે કહયું હતું કે મહેસૂલ વિભાગની કામગીરીને વધુ સક્ષમ બનાવવા માટે વિવિધ સંવર્ગોમાં ૧,૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરવા ₹૪૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત નાયબ મામલતદાર અને તલાટી સંવર્ગની ૪,૧૩૩ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. મહેસૂલી કર્મચારીઓની તાલીમ અને ક્ષમતા વિકાસ માટે ₹૪ કરોડ ફાળવવામાં આવ્યા છે.
મહિડાએ જણાવ્યું હતું કે રાજ્યમાં આધુનિક વહીવટી માળખું ઉભું કરવા નવી કલેક્ટર કચેરીઓ, મહેસૂલી ભવનો અને ૫૬૦ સ્ટાફ ક્વાર્ટર્સના નિર્માણ માટે ₹૫૪૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત સુરેન્દ્રનગરમાં નવી કલેક્ટર કચેરી તેમજ ખેડા જિલ્લાના મહુધા, મોરબી જિલ્લાના માળીયા અને ટંકારા, અમરેલી જિલ્લાના લાઠી, આણંદ જિલ્લાના ઉમરેઠ અને સુરત શહેરના અબ્રામા ખાતે નવી મહેસૂલી કચેરીઓના નિર્માણનો સમાવેશ થાય છે. રાજ્યના વિકાસને વેગ આપવા માટે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ માર્ગ અને કેશોદ વિમાનમથક જેવા મહત્ત્વના પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન પૂર્ણ કરવામાં આવ્યું છે. જમીન દફતર ખાતા માટે કુલ ₹૨૪૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયરૂપે ખેતીની જમીનની વેચાણ નોંધ માટે ૨૫ વર્ષ જૂના રેકોર્ડની ચકાસણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત ૮ એપ્રિલ ૨૦૨૫થી અમુક વિસ્તારોની નવી શરતની જમીનોને જૂની શરતમાં ગણાવી પ્રીમિયમમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’સ્વામિત્વ’ યોજના હેઠળ રાજ્યના ૧૪,૮૦૧ ગામોમાં ડ્રોન દ્વારા જમીન માપણી પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે સરકારી જમીનોના મોનિટરિંગ માટે આધુનિક સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કુદરતી આફતો સામે રાજ્યને વધુ સક્ષમ બનાવવા માટે રાજ્ય આપત્તિ પ્રતિસાદ નિધિ હેઠળ ₹૧૭૧૬ કરોડ અને રાજ્ય આપત્તિ નિવારણ નિધિ હેઠળ ₹૪૨૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત આપત્તિના સમયે સહાય માટે ૩૫૦૦થી વધુ ‘આપદા મિત્રો’ તૈયાર કરવામાં આવ્યા છે.સ્ટેમ્પ અને નોંધણી તંત્રને આધુનિક બનાવવા ₹૧૫૦ કરોડ તથા પંચાયતોને સ્ટેમ્પ ડ્યુટી વળતર તરીકે ₹૭૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. પાંચ સબ-રજિસ્ટ્રાર કચેરીઓને ‘મોડેલ કચેરી’ તરીકે વિકસાવવામાં આવશે. રાજ્યની ૨૯૪માંથી ૨૯૨ સબ-રજિસ્ટ્રાર કચેરીઓને સીસીટીવી નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવી છે, જેથી વહીવટમાં વધુ પારદર્શિતા અને ઝડપી સેવા સુનિશ્ચિત થશે.આમ, મહેસૂલ વિભાગના વિકાસલક્ષી અને નાગરિકલક્ષી કાર્યક્રમોને વેગ આપવા માટે રજૂ કરવામાં આવેલી અનુદાનની માંગણીઓને વિધાનસભા ગૃહે મંજૂરી આપી હતી.