પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફૈસલાબાદ જિલ્લામાં આવેલા મલિકપુર વિસ્તારમાં આજ રોજ શુક્રવારે સવારે એક ગંભીર દુર્ઘટના બની હતી. એક કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટતા જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરી સાથે નજીકની અન્ય ઇમારતો પણ ધરાશાયી થઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ આ ફેક્ટરી ફૈસલાબાદ લાહોરથી લગભગ 130 કિલોમીટર દૂર છે અને આ વિસ્તાર ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. આ દુર્ઘટનાએ આખા વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો હતો. ઘટનાની થતાં જ બચાવ ટીમોએ ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી અને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ સાતથી વધુ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
ફૈસલાબાદના ડેપ્યુટી કમિશનર રાજા જહાંગીર અનવરે જણાવ્યું કે ફેક્ટરીના બોઇલરમાં થયેલા ભયાનક વિસ્ફોટને કારણે એકથી વધુ ઇમારતો ધરાશાયી થઈ છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. જેને કારણે બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે.
પંજાબ પોલીસના મહાનિરીક્ષક ડૉ. ઉસ્માન અનવરે તમામ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવા માટે નિર્દેશ આપ્યો છે. જેથી બચાવ કામગીરીમાં ઝડપ લાવી શકાય. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આસપાસનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને શોકગ્રસ્ત પરિવારોને તમામ શક્ય મદદ પહોંચાડવાની ખાતરી આપી છે. તેમણે ફૈસલાબાદ કમિશનર પાસેથી આ દુર્ઘટના અંગે વિગતવાર અહેવાલ પણ માંગ્યો છે.
આ દુર્ઘટનાએ ફરી એક વાર ઔદ્યોગિક સુરક્ષા અને ફેક્ટરીઓમાં બોઇલરની નિયમિત ચકાસણી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.