National

પંજાબના 1400 ગામ પૂરથી પ્રભાવિત, CM ભગવંત માનએ લીધો મોટો નિર્ણય

પંજાબમાં આવેલા વિનાશક પૂરને કારણે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભગવંત માનએ પંજાબને સત્તાવાર રીતે આપત્તિગ્રસ્ત રાજ્ય જાહેર કર્યું છે. પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ શૈક્ષણિક સંસ્થાઓને તા.7 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

1400 ગામો પૂરથી પ્રભાવિત
રાજ્યના 23 જિલ્લાઓના લગભગ 1400 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. લાખો એકર ખેતીની જમીન પૂરના પાણીમાં ડૂબી ગઈ છે અને હજારો લોકો બેઘર બન્યા છે. ખેડૂતોને મોટું નુકસાન થયું છે. તેમજ મોટી સંખ્યામાં પશુઓના મોત પણ થયા છે.

રાહત માટે ફંડ અને પગલાં
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ MPLADS ફંડમાંથી 3.25 કરોડ રૂપિયા પૂરગ્રસ્ત વિસ્તારો માટે ફાળવ્યા છે. રાજ્ય સરકારે તમામ વિભાગોની રજાઓ રદ કરી છે અને અધિકારીઓને રાહત કામગીરી ઝડપી બનાવવા માટે આદેશ આપ્યા છે. મુખ્ય સચિવ કે.પી. સિંહાએ જિલ્લા મેજિસ્ટ્રેટોને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2025 હેઠળ તેઓ કાયદાની કલમ 34 મુજબ જરૂરી નિર્ણય લઈ શકે છે.

વિભાગોને સજાગ રહેવાનો આદેશ
જાહેર બાંધકામ, જળ સંસાધન અને પાવર કોર્પોરેશન જેવા મહત્વપૂર્ણ વિભાગોને યુદ્ધના ધોરણે કામગીરી કરવા કહ્યું છે. ટેલિકોમ કંપનીઓને મોબાઇલ અને લેન્ડલાઇન સેવા તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા સૂચના આપવામાં આવી છે. તમામ વિભાગોને ચેતવણી આપવામાં આવી છે કે આ કટોકટીની પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા
સત્તાવાળાઓએ જણાવ્યું છે કે પંજાબ છેલ્લા અનેક દાયકાઓમાં સૌથી ભયાનક પૂર આપત્તિનો સામનો કરી રહ્યું છે. હાલ 3.75 લાખ એકર ખેતીની જમીન પૂરમાં ડૂબી ગઈ છે. ભાખરા ડેમ અને પોંગ ડેમમાં પાણી ભયના નિશાનથી ઉપર ચાલી રહ્યું છે. જ્યારે સતલજ નદીમાં પાણીનો પ્રવાહ વધતો જ રહ્યો છે. આવતા દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

સરકારનો હેતુ સ્પષ્ટ છે કે પૂરગ્રસ્ત લોકોને શક્ય તેટલી વહેલી તકે રાહત અને મદદ પહોંચાડવી.

Most Popular

To Top