ડાંગઃ આહવા તાલુકામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં 14 વર્ષની કિશોરીએ બાળકને જન્મ આપતા ગામમાં ચર્ચા ફેલાઈ છે, ચોંકાવનારી વાત એ છે કે 14 વર્ષની સગીરને ગર્ભવતી કરનારો છોકરો પણ 14 વર્ષનો એક સગીર છે. 14 વર્ષના કિશોર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બનાવની વિગતમાં આ બન્ને પ્રેમી પંખીડા શેરડીના ખેતરમાં કામ કરવા જતા હતા ત્યાં તેમને પ્રેમ સંબંધ બાદ શારીરિક સંબંધ થતા બાળકનો જન્મ થવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ આહવા તાલુકામાં 14 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધથી 14 વર્ષીય સગીરાએ બાળકને જન્મ આપતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં પોલીસે બાળકના પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. 14 વર્ષની ઉંમરમાં જ આ રીતે પ્રેમસંબંધમાં માતા-પિતા બનતા બન્ને પ્રેમી પંખીડા હાલ કાયદાની ચુંગાલમાં ફસાઈ ગયા છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, આદિવાસી વિસ્તાર ગણાતા આહવાના એક ગામમાં 14 વર્ષીય સગીર અને સગીરા સાથે જ શેરડી કાપવાના કામે જતા હોવાથી પ્રેમ થઈ ગયો હતો. જો કે આ પ્રેમ સંબંધના પરિણામે બંનેએ શરીર સંબંધ પણ બાંધવાના શરૂ કરી દીધા હતા. અને આ સંબંધને પરિણામે સગીરા ગર્ભવતી પણ બની ગઈ હતી અને જો કે ગામમાં મેડિકલ સેવાથી દૂર રહેતા આ લોકો ગર્ભ પડાવવામાં માનતા નથી, જેથી તેણે એક બાળકને પણ જન્મ આપ્યો હતો.
અને અચાનક જ એક કુંવારી કિશોરીને ઘરે પાળણુું બંધાવાના સમાચાર વાયુ વેગે ફેલાવા લાગ્યા હતા, જેથી આ બનાવની જાણ થતાં ડાંગ પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી અને તપાસ કરતાં જ 14 વર્ષીય સગીર સાથેના સંબંધથી બાળકી માતા બની હોવાનો ધડાકો થયો હતો. જો કે પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વની વાત છે કે આદિવાસી વિસ્તારમાં આજે પણ લગ્ન સંબંધ અને રિવાજો માટે લોકો રૂઢિઓ રાખતા હોવાથી યુવા પેઢી ગભરાટ અનુભવતી હોય છે, અને ઘણા કિસ્સામાં લગ્ન વિના જ લગ્ન જીવન ગાળતા યુગલો પણ જોવા મળી આવે છે, ત્યારે હાલ તો આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે, પણ આ બન્ને પ્રેમી પંખીડાની ભૂલનું પરિણામ તેના બાળકને ન ભોગવવું પડે તેના માટે પણ કોઈકે વિચાર કરવો રહ્યો.