National

ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતાં 14ના મોત, 2800થી વધુ લોકો બીમાર

દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાતા ઈન્દોરમાં ગંભીર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ભાગીરથપુરા વિસ્તારમાં નર્મદા જળ સપ્લાય મારફતે નાગરિકોને ગટરનું પાણી અને માનવ મળ-મૂત્ર મિશ્રિત પાણી પીવડાવવામાં આવતા અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 2800થી વધુ લોકો બીમાર પડ્યા છે. આ ઘટનાએ નગર નિગમ અને આરોગ્ય તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

પાણીની ગુણવત્તાની તપાસ માટે લેવામાં આવેલા નમૂનાઓના રિપોર્ટ આજે 2 જાન્યુઆરી શુક્રવારે એમજીએમ મેડિકલ કોલેજ અને નગર નિગમની લેબમાંથી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર પાણીમાં ઈ-કોલાઈ (E. coli) અને શિગેલા (Shigella) જેવા ખતરનાક બેક્ટેરિયા મળી આવ્યા છે. જે સામાન્ય રીતે માનવ મળમાં જોવા મળે છે. જિલ્લા કલેક્ટર શિવમ વર્માએ આ રિપોર્ટની પુષ્ટિ કરી હતી. ગુરુવારે વધુ એક દર્દીના મોત બાદ મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે.

ગત સોમવારે દૂષિત પાણી પીધા બાદ વિસ્તારના 100થી વધુ લોકો અચાનક બીમાર પડતાં હાહાકાર મચી ગયો હતો. મંગળવાર સુધીમાં આઠ લોકોના મોત થયા હતા. હાલ સુધીમાં લગભગ 2800 દર્દીઓ નોંધાયા છે. તેમાંથી 201 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે 32 દર્દીઓને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલત ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયે આજે ગુરુવારે ચાર મૃતકોના પરિજનોને બે-બે લાખ રૂપિયાની સહાય રાશિના ચેક આપ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી અને આરોપ મૂક્યો કે શાસન દ્વારા જાહેર કરાયેલો મૃત્યુઆંક હકીકતમાં ઓછો બતાવવામાં આવી રહ્યો છે. લોકોએ મંત્રી સામે આક્રોશ વ્યક્ત કરતાં સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. મંત્રીએ સ્વીકાર્યું કે વાસ્તવિક આંકડો વધુ હોઈ શકે છે અને ઝાડા સહિત દૂષિત પાણીના કારણે થયેલા તમામ મોતની તપાસ કરી સહાય આપવામાં આવશે.

આ ગંભીર મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)એ સુઓ મોટો સંજ્ઞાન લઈ મધ્ય પ્રદેશના મુખ્ય સચિવને નોટિસ પાઠવી છે અને બે સપ્તાહમાં વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આયોગે નોંધ્યું કે લોકો લાંબા સમયથી દૂષિત પાણીની ફરિયાદ કરી રહ્યા હતા છતાં અધિકારીઓએ સમયસર પગલાં લીધા નહોતા.

આ ઉપરાંત હાઈકોર્ટમાં દાખલ થયેલી બે જનહિત અરજીઓ પર આજે શુક્રવારે સુનાવણી થશે. જેમાં રાજ્ય સરકારને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Most Popular

To Top