વડોદરા:: શહેરના ઐતિહાસિક અને વોટર સપ્લાય માટે અગત્યના ગણાતા આજવા સરોવર અંગે કરવામાં આવેલો જિયોફિઝિકલ સરવે જાહેર કરવામાં આવ્યો છે. 135 વર્ષ જૂના આ સરોવર પર થયેલા આ સર્વેમાં ખાસ ચર્ચાસ્પદ મુદ્દો એ રહ્યો કે સરોવરનું સ્ટ્રક્ચર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. હા, નાના-મોટા સમારકામની જરૂરિયાત દર્શાવાઈ છે જેથી ભવિષ્યમાં કોઈ પ્રકારની અશાંતિ કે જોખમ ઊભું ન થાય.
મળતી માહિતી મુજબ, આ જિયોફિઝિકલ સરવે પર આશરે દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી નવલાવાલા કમિટીએ આ સરવે કરવાની ભલામણ કરી હતી.
એડિશનલ સિટી એન્જિનિયર ધાર્મિક દવેેએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, “સરવે મુજબ આજવા ડેમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. હવે આગામી તબક્કામાં પિઝોમિટર મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “પિઝોમિટર ઇન્સ્ટોલેશન સિવાય ડેમના ભાગમાં પિચિંગ વર્ક, જંગલ કટીંગ અને ફિલિંગ જેવા કાર્યો પણ હાથ ધરાશે. આ કામગીરી રાજ્ય સરકારના ગેરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવશે.”
સર્વેનો અહેવાલ જાહેર થતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગળના તબક્કાના તકેદારીના પગલાં લેવા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સમારકામો પૂરાં થયા બાદ સરોવરનું લાંબા ગાળાનું સંરક્ષણ વધુ મજબૂત બનશે અને પાણી સંગ્રહક્ષમતા પણ સુધરશે.
આજવા સરોવર વડોદરાના પાણી પુરવઠાનો મુખ્ય સ્ત્રોત છે અને તેની હિસ્ટોરિકલ મહત્તા સાથે સાથે ટેક્નિકલ સુરક્ષાની દૃષ્ટિએ પણ આ સર્વે શહેર માટે મહત્વપૂર્ણ ગણાય છે. જુના અને ધીમે-ધીમે ખરાબ થતાં ભાગોના સમારકામ બાદ સરોવર આગામી દાયકાઓ સુધી નિરંતર કાર્યક્ષમ રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આજવા સરોવર જિયોફિઝિકલ સરવે –
ફેક્ટ શીટ
*સરોવરનો વય: =135 વર્ષ
*સરવેનો ખર્ચ: =1.5 કરોડ રૂપિયા
*સરવે ભલામણ: રાજ્ય સરકારની નવલાવાલા કમિટીએ કરાવવામાં આવી
*સ્ટ્રક્ચર સ્થિતિ: સુરક્ષિત, કોઈ ગંભીર સમસ્યા નહી
*સમારકામની ભલામણ:
પિચિંગ વર્ક, જંગલ કટીંગ, ફિલિંગ વર્ક, પિઝોમિટીરોની સ્થાપના.
*આગામી પગલાં:પિઝોમિટર મૂકવાની કામગીરી,
નાના-મોટા સમારકામ કરીને ડેમનું મજબૂત સંરક્ષણ,
કામગીરી રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ.
*મહત્વ:ડેમ વડોદરાના પાણી પુરવઠાનો મુખ્ય સ્ત્રોત,
સમારકામ બાદ લાંબા ગાળાની સલામતી સુનિશ્ચિત.