રાજ્ય સરકાર દ્વારા રચાયેલ ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું
આજવા સરોવર ખાતે ઈલેક્ટ્રિકલ રેસીસ્ટીવીટી ટોમોગ્રાફી દ્વારા ચાલી રહી છે Geo-Physical સર્વેની કામગીરી

શહેરના જીવનદાયી પાણી સ્ત્રોતોમાંના એક એવા આજવા ડેમની મજબૂતીને લઈને મહત્ત્વપૂર્ણ કામગીરીનો આરંભ થયો છે. 135 વર્ષ જૂના માટીથી બનાવેલા ડેમના સંરક્ષણ અને ભવિષ્યમાં પૂર જેવી પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા રચાયેલ ઉચ્ચસ્તરીય સમિતિના સૂચનાનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂ. 1.50 કરોડના ખર્ચે જિયો ફિઝિકલ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં “ઈલેક્ટ્રિકલ રેસીસ્ટીવીટી ટોમોગ્રાફી (ERT)” પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે. 20 જૂનથી આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને અંદાજે 3 મહિનાની અંદર સંપૂર્ણ સર્વે પૂર્ણ થશે. ત્યારબાદ 20 દિવસમાં તેની સચોટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે બાદ ડેમનો રિપોર્ટ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અતિવૃષ્ટિના સમયમાં અનેક વખત આજવા ડેમ પર ભાર વધ્યો છે, જેમાં તેની ક્ષમતા, પાયા અને માટીનું ધોરણ હવે ફરીથી ચકાસવું અગત્યનું બન્યું છે. સુરક્ષા જાળવી રાખવા માટે ડેમની અંદરથી લીકેજ કે કેમ તે જાણવા પાલિકા હવે કામ કરી રહી છે.
ERT એટલે શું? કેવી રીતે કરે છે કામગીરી?
ઈલેક્ટ્રિકલ રેસીસ્ટીવીટી ટોમોગ્રાફી એ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમાં જમીનમાં વિવિધ સ્થરે વિદ્યુત પ્રવાહ છોડવામાં આવે છે અને જમીનની રેસીસ્ટીવિટી (વિદ્યુત પ્રત્યારોધ) માપી તેની રચનાની અંદર શું છે તે જાણી શકાય છે. આ પદ્ધતિથી માટી કે પથ્થરના ભિન્ન ભિન્ન તબક્કાઓ, ભીની જગ્યાઓ, લીકેજ કે બાંધકામમાં આવેલા ખોટ જેવા મુદ્દાઓનું ચોકસાઇથી નિદાન કરી શકાય છે. આજે વિશ્વભરમાં ડેમ સેફ્ટી માટે આ પદ્ધતિ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે.