લારી-ગલ્લાવાળાઓ, દુકાનદારો અને નાના ધંધાર્થીઓને સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી શકે છે.
શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિના કારણે મોટા પાયે નુકસાન થયું છે. આધારભૂત સૂત્રોનો જણાવ્યા પ્રમાણે, રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં વડોદરાવાસીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડોદરા અને આસપાસના વિસ્તારના લોકોને સહાય માટે 600 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે. આ પેકેજ હેઠળ ખાસ કરીને નાના લારી- ગલ્લાવાળાઓ , દુકાનદારો અને નાના ધંધાર્થીઓને સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી શકે છે.
અતિવૃષ્ટિના કારણે વડોદરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ધંધાઓને ભારે નુકસાન થયું છે. સતત વરસાદ અને પૂરના પાણીને કારણે નાના વેપારીઓને તેમની દુકાનોમાં મુકેલા માલમાં મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. લારી- ગલ્લાવાળા અને નાના વેપારીઓ માટે આ નુકસાનીના પગલે તેઓનું રોજિંદું જીવન ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. ઘરવખરી, માલમસાલાની મોટી ખોટ અને વ્યવસાય ઠપ થવાને કારણે લોકો આર્થિક રીતે સંકટમાં મુકાયા છે.
સરકારના આ પેકેજ હેઠળ, જે લોકોને ધંધો, દુકાન, અથવા લારી-ગલ્લામાં નુકસાન થયું છે, તેમને નાણાકીય સહાય મળી રહેશે. આ સહાય તેમને ફરીથી તેમના ધંધા પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત, સરકારે આ વાતની પણ ખાતરી કરી છે કે, જેના ઘરોને પણ નુકસાન થયું છે, તેઓને પણ આર્થિક સહાય આપવામાં આવશે. સંભવતઃ આજે સાંજ સુધીમાં આ પેકેજની વિધિવત જાહેરાત કરવામાં આવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રતિકાર કરતી જનતાને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે તમામ જરૂરી નીતિગત પગલાં લેવામાં આવી રહ્યા છે.