વડોદરામાં દર વર્ષે ચોમાસા દરમિયાન પૂર્વ અને દક્ષિણ ઝોનના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા માટે પાલિકા દ્વારા નવું પગલું ભરવામાં આવ્યું છે. વાધોડીયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર સુધી નેશનલ હાઇવે સમાંતર વરસાદી પાણીની ચેનલ બનાવવાનું કામ હાથ ધરાશે. આ કામ માટે ઇજારદાર મે. ડી.બી. ઇન્ફ્રાટેકની રૂ. 12,58,90,850 (+ GST)ની બિનશર્તીય દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત નેટ અંદાજીત રૂ. 15,94,76,628 કરતા 21.06 ટકા ઓછી છે. શહેરની પૂર્વ દિશામાંથી પસાર થતો સુરત-અમદાવાદ નેશનલ હાઇવે નં. 48 ચોમાસામાં પાણીના પ્રવાહ માટે અવરોધ બને છે. હાઇવેના વિવિધ ક્રોસિંગમાંથી શહેરમાં પાણી પ્રવેશતું હોવાથી દર વર્ષે ભારે વરસાદ વખતે પૂર્વ અને દક્ષિણ ઝોનના વિસ્તારમાં પાણી ભરાય છે. 2019 અને 2024ના ચોમાસામાં વરસાદી પાણીના નિકાલમાં અનેક દિવસો લાગ્યા હતા, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પહેલેથી જ દરજીપુરા અને પાંજરાપોળથી વિશ્વામિત્રી નદી તરફ વરસાદી ચેનલ (Phase-I) બનાવવામાં આવી રહી છે. હવે Phase-II અંતર્ગત દરજીપુરા-પાંજરાપોળથી જામ્બુવા નદી તરફ હાઇવે સમાંતર 1,350 મીટર લંબાઇમાં 3.50 X 3.50 મીટર માપની વરસાદી ચેનલ બનાવવાનો પ્રસ્તાવ છે. આ માટે કન્સલ્ટન્ટ તરીકે મે. રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી.ને પી.એમ.સી. તરીકે નિમણૂક કરવામાં આવી છે. કન્સલ્ટન્ટ દ્વારા રજૂ કરાયેલા રૂ. 15.94 કરોડના નેટ અંદાજ અને રૂ. 22.11 કરોડના ગ્રોસ અંદાજ (જેમાં 18% GST, PMC-TPI ચાર્જ અને 5% કન્ટીજન્સી શામેલ)ને 27 નવેમ્બર, 2024ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. કામ માટે કુલ 11 ઇજારદાર પાસેથી દરખાસ્તો પ્રાપ્ત થઈ હતી. તેમાં મે. ડી.બી. ઇન્ફ્રાટેકની દરખાસ્ત સૌથી ઓછી હોવાથી તેને મંજૂરી આપવા દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે.