Vadodara

12 કરોડના ડ્રગ્સના કેસમાં પોલીસને ચકમો આપી ફરાર માફિયાની 10 વર્ષ બાદ ધરપકડ

વડોદરા: વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ પાછળથી વર્ષ2011માં  પોલીસ જાપ્તામાંથી પોલીસને ચકમો આપીને વિદેશ ફરાર થઇ ગયેલા ડ્રગ્સ માફિયાની વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે  હોંગકોંગથી કબ્જો મેળવીને ધરપકડ કરી વડોદરા પરત લાવી છે. આ મામલે SOGએ ડ્રગ્સ માફિયાનો કબ્જો મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ NCB દ્વારા નાર્કોટિક્સના ગુનામાં 22 નવેમ્બર-2008ના રોજ વડોદરાના માણેજા પાસેથી ક્ષી જીગ ફેન્ગ ઉર્ફે રીચાર્ડની 12 કરોડ રૂપિયાની કિંમતના મેથામ્ફેટામાઇન નામના ડ્રગ્સ સાથે ધરપકડ કરાય હતી.

તેની સાથે તેના બીજા બે સાગરીતો ગુનાશેખરણ પિલ્લાઇ તથા રવિંદ્ર કરપ્યાનાઓની પણ ધરપકડ કરી હતી. બન્ને સાગરીતો વિરૂદ્ધ અમદાવાદ NCBએ કરેલો કેસ કોર્ટમાં ચાલી જતા તેઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. હાલ તેઓ સાબરમતી જેલ અમદાવાદમાં છે. જ્યારે આરોપી ક્ષી જીંગ ફેન્ગ ઉર્ફે રીચાર્ડને વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રાખવામાં આવ્યો હતો. જ્યાં તે અલગ-અલગ આરોપીઓના સંપર્કમાં આવ્યો હતો અને તેમની મદદથી કાવતરૂ રચ્યુ હતું અને 28 એપ્રિલ-2011ના રોજ સયાજી હોસ્પિટલમાં પોલીસ જાપ્તા હેઠળ સારવાર અર્થે લઇ જતાં હોસ્પિટલના પાછળના ગેટ પાસેથી તેના સાગરીતો સાથે જાપ્તાના માણસોને ચકમો આપી ફરાર થઇ ગયો હતો.

જે બાબતે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.સયાજી હોસ્પિટલ પાછળથી ફરાર થયેલો આ આરોપી ક્ષી જીંગ ફેન્ગ ઉર્ફે રીચાર્ડ પોતાના સાગરીતોની મદદથી નેપાળ જતો રહ્યો હતો અને ત્યાંથી કેનેડા જતો રહ્યો હતો. કેનેડાથી બોગસ પાસપોર્ટ બનાવીને તે હવાઇ મુસાફરી મારફત હોંગકોંગ ખાતે જતો રહ્યો હતો અને ત્યાં તે મની લોન્ડરિંગના ગુનામાં પકડાઇ જતા તેને 4 વર્ષ 4 માસની સજા થઇ હતી. દરમિયાન 16 માર્ચ-2012 ના રોજ આ અંગેની શહેર પોલીસને જાણ થતાં તેને પરત ભારત લાવવા માટે એક્સ્ટ્રાડીશન પ્રપોઝલ 27 ઓક્ટોબર-2012ના રોજ પ્રોપર ચેનલ એમ.ઇ.એ.ને મોકલવામાં આવી હતી. જે આધારે આરોપીની સજા પૂર્ણ થતાં આરોપીને ભારતને સોપવા માટેનો 7 ફેબ્રુઆરી-2018ના રોજ હુકમ થયો હતો.

આ હુકમ સામે આરોપીએ હોંગકોંગ એસ.એ.આર.માં અપીલ ફાઇલ કરી હતી અને 7 મે-2021ના રોજ એચ.કે.એચ.એ.આર. દ્વારા ડિસમીસ કરવામાં આવતા કોન્સ્યુલેટ જનરલ હોંગકોંગ તરફથી ભારતીય અધિકરીઓને ક્ષી જીંગ ફેન્ગ ઉર્ફે રીચાર્ડનો કબજો સોપવામાં માટે એસ્કોર્ટ તરીકે બે અધિકારીઓને હોંગકોંગ મોકલવા જાણ કરી હતી. ત્યારબાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એસીપી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ સહિત બે અધિકારીઓને વિવિધ ડિપાર્ટમેન્ટ ઓથોરીટી તથા હોંગકોંગ દુતાવાસનાઓ સાથે જરૂરી પત્ર વ્યવહાર કરી મોકલી આપવામાં આવ્યા હતા. જે અધિકારીઓ આરોપીનો કબજો હોંગકોંગથી મેળવીને ગુરુવારના રોજ વડોદરા પરત ફર્યા છે.જોકે આ ગુનો રાવપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હોવાથી અને NCBના ગુના મામલે જરૂરી કાર્યવાહી SOG દ્વારા હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top