ગાંધીનગર : વિકસિત ગુજરાત@2047ના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના ગ્રોથ હબ તરીકે વિકસાવવામાં આવી રહેલા સુરત ઈકોનોમિક રિજિયન (SER)માં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે 1185 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ કુલ 383 કિલોમીટર લંબાઈમાં 24 માર્ગોના સુધારણા અને અપગ્રેડેશનના કામો હાથ ધરવામાં આવશે.
પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વિકસિત ગુજરાત@2047નો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યના સર્વાગી વિકાસ માટે ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (ગ્રીટ) દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન, ઇન્ડિવિજુઅલ અને ઇન્સ્ટિટ્યુશન આધારિત લાંબા ગાળાના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન અંતર્ગત રાજ્યમાં 6 ગ્રોથ હબ વિકસાવવાના રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરાયા છે. તેમાં દક્ષિણ ગુજરાતના ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજિયન માટે સૌપ્રથમ 1185 કરોડ રૂપિયાના રોડ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે.
આ રિજિયનમાં આવેલા જિલ્લા
સુરત – ભરૂચ
નવસારી – વલસાડ તાપી – ડાંગ
ટેક્સટાઇલ, ડાયમંડ કેમિકલ ઉદ્યોગનો સીધો લાભ
આ વિકાસ પ્રોજેક્ટના પરિણામે સુરત, તાપી, વલસાડ, ભરૂચ અને નવસારી જિલ્લાના ઔદ્યોગિક હબ તથા જી.આઇ.ડી.સી. વિસ્તારોને જોડતા માર્ગોમાં સુધારણા થવાથી લોજિસ્ટિક્સ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનશે. માલસામાન અને શ્રમિકોની અવરજવર સરળ બનતા ટેક્સટાઇલ, કેમિકલ, પેટ્રોકેમિકલ અને ડાયમંડ ઉદ્યોગોને સીધો લાભ મળશે.સાથે સાથે કડોદ, કડોદરા, જોલવા, માંગરોળ, કોસંબા અને તડકેશ્વર જેવા મહત્વના જી.આઇ.ડી.સી. વિસ્તારોની કનેક્ટિવિટી મજબૂત થવાથી ઔદ્યોગિક વિસ્તરણને પણ વેગ મળશે. ફિશરીઝ, હજીરા પોર્ટ, સુગર ફેક્ટરી, સુમુલ ડેરી તેમજ માઇનિંગ અને લિગ્નાઇટ જેવા ઉદ્યોગોને પણ આ સુધારેલા માર્ગોનો લાભ મળશે.