Gujarat

નવજાત શિશુઓની સુરક્ષા માટે ૧૧ નવી ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’ને ગાંધીનગરથી લીલીઝંડી

આ એમ્બ્યુલન્સ નવજાત શિશુ મૃત્યુદરમાં ઘટાડો કરવામાં પાયાની ભૂમિકા ભજવશે- આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

ગાંધીનગર,

સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતેથી ૧૦૮ સેવા હેઠળ ૧૧ નવી અત્યાધુનિક ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’નો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ નવી ૧૧ અત્યાધુનિક ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’ સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, ડાંગ, તાપી, જુનાગઢ અને રાજકોટ જિલ્લાના આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત કરવામાં આવશે.

આ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના એક પણ બાળકનું આરોગ્ય સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે સરકારે સંકલ્પ કર્યો છે. નવજાત શિશુઓ માટે સંજીવની સમાન આ નવી એમ્બ્યુલન્સ ખાસ કરીને ગંભીર હાલતમાં રહેલા નવજાત શિશુઓને એક હોસ્પિટલથી બીજી ઉચ્ચ સુવિધા ધરાવતી હોસ્પિટલમાં સુરક્ષિત રીતે લઈ જવા માટે તૈયાર કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર, ઈન્ક્યુબેટર અને અન્ય જીવનરક્ષક તબીબી ઉપકરણોની સુવિધા ઉપલબ્ધ રહેશે, જે રાજ્યના નવજાત શિશુ મૃત્યુદરમાં વધુ ઘટાડો કરવામાં પાયાની ભૂમિકા ભજવશે.

આરોગ્ય મંત્રી શ્રી પાનશેરીયાએ કહ્યું હતું કે, રાજ્યના અંતરિયાળ ગામની અંદર નાના PHC સેન્ટરમાં જ્યારે ડિલેવરી થતી હોય ત્યારે નવું જન્મેલું બાળક ઘણીવાર ગંભીર બીમારી અથવા કોઈપણ પ્રકારનું ઇન્ફેકશન લાગેલું હોય તો તેને મોટા સેન્ટર સુધી સુરક્ષિત રીતે લઈ જવા માટે અદ્યતન એમ્બ્યુલન્સની જરૂર પડતી હોય છે. જેથી રાજ્ય સરકાર દ્વારા આજે વધુ ૧૧ નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે.

Most Popular

To Top