પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ રોજ તા.9 સપ્ટેમ્બર મંગળવારે હિમાચલ પ્રદેશના ચંબા અને કાંગડા સહિત પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં અનેક પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની આજે મુલાકાત લીધી હતી. વડાપ્રધાને પીડિતો સાથે મુલાકાત કરી તેમની પીડા સાંભળી અને મદદની ખાતરી આપી હતી.
પૂરમાં માતા-પિતા ગુમાવનાર નીતિકાને મળ્યાં: PM મોદી
આ મુલાકાત દરમિયાન પીએમ મોદી એક 11 મહિનાની બાળકી નીતિકાને મળ્યા. જે દુર્ઘટનામાં પોતાના માતાપિતા ગુમાવી ચૂકી છે. મંડી જિલ્લાના સેરાજમાં તા.30 જૂનના રોજ વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં નીતિકાના માતાપિતા અને દાદી તણાઈ ગયા હતા. હવે આ માસૂમ છોકરી પોતાની કાકી સાથે રહે છે.
કાંગડા એરપોર્ટ પર જ્યારે પીએમ મોદીએ નીતિકાને ખોળામાં લીધી. તેને સ્નેહ આપ્યો અને ચોકલેટ આપી, ત્યારે ત્યાં હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા. પ્રધાનમંત્રીના ચહેરા પર પણ દુઃખ અને લાગણીઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી.
નીતિકાના નિર્દોષ ચહેરા પર એક ક્ષણ માટે સ્મિત ફેલાયું. પરંતુ તેના જીવનમાં માતાપિતાના અભાવનું દુઃખ સૌને સ્પર્શી ગયું. પ્રધાનમંત્રીએ તેની કાકી પાસેથી બાળકીના ભવિષ્ય, ભરણપોષણ અને શિક્ષણ વિશે જાણકારી લીધી અને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી.
પ્રધાનમંત્રી મોદીએ માત્ર નીતિકા જ નહીં પરંતુ અન્ય આપત્તિ પીડિતો સાથે પણ મુલાકાત કરી. મંડી શહેરના જેલ રોડની ભૂતપૂર્વ કાઉન્સિલર કૃષ્ણા દેવી પણ પીએમને મળ્યા હતા. તેમણે તા.28 જુલાઈના રોજ આવેલી આપત્તિમાં પોતાનો પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર ગુમાવ્યા હતા. તેમણે રડતા રડતા પોતાનો દુઃખદ અનુભવ પ્રધાનમંત્રી સાથે વહેંચ્યો. પીએમ મોદીએ તેમનો હાથ પકડીને તેમને સાંત્વના આપી અને કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્ત પરિવારની સાથે છે.
આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ અધિકારીઓને રાહત અને પુનર્વસન કાર્ય ઝડપથી આગળ વધારવા આદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે “આપત્તિમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓનું દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. પરંતુ સરકાર તેમની પુનઃસ્થાપન અને સહાય માટે તમામ પ્રયત્ન કરશે.”
પીએમ મોદીના આ સંવેદનશીલ અને ભાવનાત્મક વર્તનથી સ્થાનિક લોકોમાં વિશ્વાસ અને આશાનો સંદેશ પહોંચ્યો છે. નીતિકા જેવી બાળકીનું દ્રશ્ય સૌને આંખોમાં આંસુ લાવનારું હતું.