Vadodara

11 વર્ષ બાદ મોટો ચુકાદો : મંત્રી સૌરભ પટેલ પર હુમલા કેસમાં 16 આરોપીઓ નિર્દોષ મુક્ત

વડોદરા, પ્રતિનિધિ
વર્ષ 2015માં વડોદરાના ગોત્રી વિસ્તારમાં તત્કાલીન ઊર્જા મંત્રી સૌરભ પટેલ પર થયેલા પથ્થરમારાના હુમલા કેસમાં 11 વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. સેશન્સ કોર્ટ દ્વારા પૂર્વ કોર્પોરેટર સહિત કુલ 16 આરોપીઓને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યા છે.

આ કેસમાં ભાજપના અગ્રણી અને સિનિયર ધારાશાસ્ત્રી હર્ષદભાઈ પરમાર દ્વારા કરાયેલ ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને મેજિસ્ટ્રેટે આ ચુકાદો આપ્યો હતો.

માહિતી મુજબ, ગોત્રી વિસ્તારમાં ગરીબ વર્ગ માટેના એલઆઇજી આવાસોના ખાતમૂહૂર્ત કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી. કાર્યક્રમમાં તત્કાલીન ઊર્જા મંત્રી સૌરભ પટેલ, તત્કાલીન ડેપ્યુટી મેયર સુનિતા શુક્લા સહિત અનેક ભાજપના હોદ્દેદારો હાજર હતા. દરમિયાન વિરોધ પ્રદર્શન માટે આવેલા ટોળાએ અચાનક પથ્થરમારો શરૂ કર્યો હતો, જેમાં સુનિતા શુક્લાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ ઘટનાને પગલે ગોત્રી પોલીસે હત્યાના પ્રયાસ (IPC 307) અને રાયોટિંગ સહિતના ગુનાઓ નોંધ્યા હતા. તપાસ દરમિયાન પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે સહિતના કેટલાક લોકો દ્વારા હુમલાનું ષડયંત્ર રચાયું હોવાનો ખુલાસો થયો હતો, જેના આધારે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.
કેસની લાંબી ટ્રાયલ બાદ, વર્ષ 2026માં સેશન્સ કોર્ટમાં અંતિમ સુનાવણી દરમિયાન રજૂ થયેલી દલીલોને આધારે તમામ 16 આરોપીઓને નિર્દોષ મુક્ત કરવાનો હુકમ આપવામાં આવ્યો છે.

Most Popular

To Top