(પ્રતિનિધિ)
વડોદરા, તા. 22
વડોદરા શહેરના ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર છે. બરોડા ક્રિકેટ એસોસિએશન સંચાલિત કોટંબી સ્થિત કોટંબી સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ પુરુષોની ડે-નાઈટ વનડે ઇન્ટરનેશનલ મેચ રમાશે. લાંબા સમય બાદ વડોદરાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું યજમાન બનવાનો અવસર મળ્યો છે, જેને લઈને શહેર અને આસપાસના વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ મેચ માટે ગ્રાઉન્ડ પર ઉપલબ્ધ મુખ્ય 11 વિકેટમાંથી પાંચ પૈકી કઈ વિકેટ પર મેચ રમાશે તેનો નિર્ણય BCCI દ્વારા નિયુક્ત ક્યુરેટર કરશે. મેચને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
મેચના દિવસે હાઇવે તથા મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ગોલ્ડન ચોકડીથી કોટંબી સ્ટેડિયમ સુધીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ચોક્કસ સમયગાળા માટે ટ્રાફિક ડાયવર્ઝન, નો-એન્ટ્રી તથા નો-પાર્કિંગ ઝોન જાહેર કરવા અંગેનું આયોજન પણ ચાલી રહ્યું છે, જે અંગે ટૂંક સમયમાં અધિકૃત જાહેરનામું પ્રસિદ્ધ થશે.
આ વચ્ચે ક્રિકેટ રસિકો માટે一 મહત્વની માહિતી એ છે કે મેચ માટેની ઓનલાઇન ટિકિટ બુકિંગ સેવા ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમો વચ્ચે થનારી આ ડે-નાઈટ વનડે મેચ વડોદરાના ક્રિકેટ ઇતિહાસમાં એક યાદગાર ક્ષણ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.