Vadodara

11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

બરોડા ક્રિકેટ એસોસિએશનના કોટંબી સ્થિત સ્ટેડિયમમાં આગામી 11 મી જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે ઇન્ટરનેશનલ મેચ રમાશે. ગ્રાઉન્ડની મુખ્ય પાંચ પૈકી કઈ એક વિકેટ ઉપર આ મેચ રમાશે, તેનો નિર્ણય બીસીસીઆઇના ક્યુટર દ્વારા લેવાશે. ટૂંક સમયમાં ઓનલાઈન ટીકીટ બુકીંગ શરૂ થશે.

વડોદરા શહેર નજીક વાઘોડિયા તાલુકાના કોટંબીમાં બીસીએ સ્ટેડિયમમાં 11મી જાન્યુઆરીના રોજ પ્રથમ મેન્સ વનડે ઇન્ટરનેશનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમવા જઈ રહી છે. બરોડા ક્રિકેટ એસોસિએશનના આ ક્રિકેટ સ્ટેડિયમમાં ગ્રાઉન્ડમાં મુખ્ય 11 વિકેટ છે. જેમાંથી ગ્રાઉન્ડમાં પાંચ પૈકી એક વિકેટ પર વન-ડે મેચ રમાશે. ત્યારે હવે આ ક્રિકેટ મેચને લઈને પૂર્વ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી ગઈ છે. ખાસ કરીને હાઇવે પર ટ્રાફિક મેનેજમેન્ટનો પોલીસનો પ્લાનિંગ શરૂ થઈ ગયો છે. વનડે મેચના દિવસે હાઇવે ઉપર ટ્રાફિકની સમસ્યાની પરિસ્થિતિ ન થાય તેવું પ્લાનિંગ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ગોલ્ડન ચોકડીથી કોટંબી સ્ટેડિયમ સુધીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મેચના દિવસે ચોક્કસ સમય માટે હાઇવેનો ટ્રાફિક રોકવાનું પણ પ્લાનિંગ થઈ રહ્યો છે. મેચના દિવસે નો એન્ટ્રી અને નોપાર્કિંગ ઝોનનું પણ અલાયદા જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. ત્યારે, લાંબા સમય બાદ વડોદરામાં ઇન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી હોય જેને પગલે ક્રિકેટ રસિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ટૂંક સમયમાં ઓનલાઇન ટિકિટની બુકીંગની સુવિધા પણ શરૂ કરવામાં આવનાર હોવાની માહિતી મળવા પામી હતી.

Most Popular

To Top