World

દવાઓ પર 100%, કિચન કેબિનેટ પર 50% અને ટ્રક પર 30% ટેરિફ; ટ્રમ્પનો બીજો મોટો ફટકો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આયાત કર (ટેરિફ) વધારીને બજારમાં હલચલ મચાવી છે. તા. 1 ઓક્ટોબરથી દવાઓ, કિચન કેબિનેટ, ફર્નિચર અને ટ્રક સહિતના ઘણા ઉત્પાદનો પર ભારે ટેરિફ લાગુ થશે. નિષ્ણાતોના મતે આ પગલું અમેરિકામાં ફુગાવાનો દબાણ વધારી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે અનેક આયાતી ઉત્પાદનો પર નવા ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે તા. 1 ઓક્ટોબરથી ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેરિફ લાગશે. કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર 50%, અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% અને ભારે ટ્રક પર 25% ટેરિફ વસૂલવામાં આવશે. ટ્રમ્પે આ જાહેરાત પોતાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “ટ્રુથ સોશિયલ” પર કરી હતી.

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકા અંદર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવતી કંપનીઓને આ નવા ટેરિફમાંથી રાહત મળશે. તેમ છતાં વધારાના ટેરિફના કારણે પહેલેથી જ દબાણમાં રહેલા અમેરિકન બજારમાં મોંઘવારી (ફુગાવો) વધશે અને આર્થિક વૃદ્ધિ પર અસર થશે એવી ચિંતા ઉઠી છે. અનેક ઉદ્યોગકારો માટે આ ટેરિફ અનિશ્ચિતતાના નવા સ્તરો લઈને આવશે.

સેન્સસ બ્યુરોના આંકડા પ્રમાણે અમેરિકાએ 2024માં આશરે 233 અબજ ડોલર મૂલ્યના ફાર્માસ્યુટિકલ અને ઔષધીય ઉત્પાદનો આયાત કર્યા હતા. હવે દવાઓ પર 100% ટેરિફ લાગવાથી કેટલીક દવાઓના ભાવ બમણા થઈ શકે છે. આની સીધી અસર મેડિકેર અને મેડિકેડ જેવા હેલ્થકેર પ્રોગ્રામ્સના ખર્ચ પર થશે. પરિણામે આરોગ્યસંભાળનો ખર્ચ વધી શકે છે. જે સામાન્ય અમેરિકન નાગરિકો માટે ભારરૂપ બનશે.

વિશ્લેષકોનું કહેવું છે કે ટ્રમ્પના આ પગલાથી અમેરિકન બજારમાં ફુગાવો વધુ ઊંચો જઈ શકે છે. હાલના સમયમાં જ અમેરિકામાં મોંઘવારીની ગતિ તેજ થઈ રહી છે. છેલ્લા 12 મહિનામાં ગ્રાહક ભાવ સૂચકાંક 2.9% સુધી પહોંચી ગયો છે. જ્યારે એપ્રિલમાં તે 2.3% હતો. આ એ સમયગાળો હતો જ્યારે ટ્રમ્પે પહેલીવાર મોટા પાયે આયાત કર લાદ્યા હતા.

ટ્રમ્પ સતત દાવો કરે છે કે ફુગાવો હવે અમેરિકન અર્થતંત્ર માટે મોટો પડકાર નથી પરંતુ તાજેતરના આંકડા તેના વિરુદ્ધ પુરાવા આપે છે. નિષ્ણાતો માને છે કે જો આ નવા ટેરિફ લાંબા સમય સુધી યથાવત રહેશે તો અમેરિકન નાગરિકોને રોજિંદા જીવનમાં ભારે અસર સહન કરવી પડશે.

Most Popular

To Top