બે મહિનાથી પગાર વિના ઘરે બેસાડી દેવાયેલા કર્મચારીઓ કમિશનરને મળવા પહોંચ્યા, ગૃહમંત્રીના કાર્યક્રમનું બહાનું આપી સમય ન અપાતા રોષ; ‘માંગણી નહીં સંતોષાય તો લડત’ની ચીમકી.
વડોદરા: મહાનગરપાલિકા માં 100થી વધુ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવાતા મોટો હોબાળો થયો છે. છેલ્લા બે મહિનાથી ઘરે બેસાડી દેવાયેલા આ કર્મચારીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે, જેના પગલે તેમણે આજે મહેશ સોલંકીની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે પાલિકાની કચેરીએ ધસી આવ્યા હતા.
પાલિકાના જુદા જુદા વિભાગોમાં કામ કરી રહેલા 100થી વધુ કર્મચારીઓને ગત બે મહિનાથી કોઈ કારણોસર કામ પરથી છૂટા કરી દેવાયા છે. તેમને ઘરે બેસાડી દેવાયા હોવા છતાં પગાર કે વળતર મળ્યું નથી, જેના કારણે આ કર્મચારીઓ અને તેમના પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા હતા.

કર્મચારીઓ તેમના આગેવાન મહેશ સોલંકીની સાથે પોતાની માગણીઓ રજૂ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને મળવા પહોંચ્યા હતા. જોકે, ગૃહમંત્રીના કાર્યક્રમને કારણે કમિશનરે તેમને મળવાનો સમય ન આપતા કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અધિકારીઓના આ વર્તનને કારણે કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની નોકરી પુનઃસ્થાપિત કરવાની અને બાકી પગારની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ ફરીથી લડત ચાલુ કરશે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ શાંત નહીં બેસે અને આંદોલન કરીને પોતાનો હક મેળવશે. કર્મચારીઓના આ ઉગ્ર વલણના કારણે આગામી દિવસોમાં વડોદરા મનપામાં આ મુદ્દે માહોલ વધુ ગરમાય તેવી શક્યતા છે.