દેશના 10 ટકા નેતા પણ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેવું આચરણ કરે તો ભારતનું ભવિષ્ય સુર્વણ બની જશે

કોરોના અને ઓમિક્રોનનું સંક્રમણ દેશમાં વધી રહ્યું હતું તો બીજી તરફ આપણા નેતાઓ રેલીઓ કરવામાં વ્યસ્ત હતાં. ઉત્તર પ્રદેશની હાલત તો એ હતી કે રાત્રે કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી અને દિવસે રાજકીય સભાઓમાં પૈસા ખર્ચીને લાખોની જનમેદની એકત્ર કરવામાં આવતી હતી. આવા રાજકીય નેતાઓના કારણે જ આપણા દેશની આંતર રાષ્ટ્રીય સ્તરે બદનામી થાય છે. ખરેખર તો સાદગી કોને કહેવાય અને રાજધર્મ કોને કહેવાય તે આપણા દેશના નેતાઓએ ન્યૂઝીલેન્ડના  વડાપ્રધાન પાસે શીખવું જોઇએ. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને દેશમાં વધી રહેલા ઓમિક્રોન સંક્રમણને રોકવા માટે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો અંતર્ગત પોતાના લગ્ન કેન્સલ કરી દીધા છે. ન્યૂઝીલેન્ડમાં રવિવાર રાતથી જ આકરા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.

કોરોના સંક્રમણ અટકાવી શકાય તે માટે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડમાં ઓમિક્રોનના કારણે સંક્રમણના કેસ વધી રહ્યા છે. ન્યૂઝીલેન્ડમાં રવિવાર રાતથી જ માસ્ક અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. તે સિવાય મેળાવડાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને કોઈ પણ કાર્યક્રમમાં સીમિત સંખ્યામાં જ લોકો સામેલ થઈ શકશે. હકીકતે ન્યૂઝીલેન્ડમાં એક લગ્ન બાદ ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા હતા. ત્યાર બાદ ત્યાં કોમ્યુનિટી સ્પ્રેડનું જોખમ વધ્યું છે.એક પરિવાર ઓકલેન્ડ ખાતે લગ્ન સમારંભમાં સામેલ થઈને પ્લેનથી સાઉથ આઈલેન્ડ પરત આવ્યો હતો.

ત્યાર બાદ પરિવારના સદસ્યો અને ફ્લાઈટ અટેન્ડન્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને બાદમાં ન્યૂઝીલેન્ડમાં પ્રતિબંધ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, અનેક દેશવાસીઓની સાથે રહીને મેં પણ લગ્ન રદ કરવાનો નિર્ણય કર્યો છે અને આવી પરિસ્થિતિમાં મુકાનારા તમામ લોકો માટે મને ખેદ છે. હજારો દેશવાસીઓથી હું બિલકુલ અલગ નથી જેમને આ મહામારીની વિનાશક અસરોનો સામનો કરવો પડ્યો છે. સૌથી કઠિન વાત એ છે કે, આપણી ગમતી વ્યક્તિ બીમાર હોય ત્યારે આપણે તેમના સાથે પણ નથી રહી શકતા. ઉલ્લેખનીય છે કે, જેસિન્ડા પોતાના લોન્ગટાઈમ પાર્ટનર અને ફિશિંગ-શો હોસ્ટ ક્લાર્ક ગેફોર્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. જેસિન્ડા આર્ડન. આ મહિલા માત્ર ૨૮ વર્ષની ઉંમરે બ્રિટનની સંસદમાં પહોંચી ગઈ.

ભારતમાં પણ ૨૮ વર્ષની નાની વયે સંસદમાં પહોંચનારા વાજપેયીઓ, સિંધિયાઓ અને પાઇલોટો છે, પણ નાની વયે વડા પ્રધાન જેવું મોટું પદ, અપવાદ બાદ કરતા ઇમ્પોસિબલ છે. જેસિન્ડા ૩૭ વર્ષની વયે ન્યુ ઝીલેન્ડના વડા પ્રધાન બની ગયા. ભારતમાં ૩૭ વર્ષની ઉંમર મેયર બનવાની કહેવાય. અહીં તો ૫૦ પછી રાજ્ય કે રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ મળે. ૬૦ વર્ષ પછી વડા પ્રધાન બને અને પછી ટપકી ન પડે ત્યાં સુધી એક પગ કબરમાં રાખે અને બીજો વડા પ્રધાનની ખુરશી પર. આગુ સે ચલી આતી આ પરંપરા આજની તારીખે પણ ચાલુ છે. માર્ચ ૨૦૧૯માં ત્યાં ક્રાઇસ્ટચર્ચ શહેરમાં એક મસ્જિદ પર ત્રાસવાદી હુમલો થયો.

એક ધર્મઝનૂનીએ અલ્લાહના ૪૯ બંદાઓની હત્યા કરી. એ બહુ નાજુક સમય હતો. સરકાર એકાદી બાજુ જરાક સ્ટેન્ડ લઈ લે તો રમખાણો થઈ જાય એમ હતા, પણ જેસિન્ડા આર્ડને બહુ વિવેક દાખવ્યો. ઇસ્લામોફોબિયાના વાયરાથી તેઓ પોતે અલિપ્ત રહ્યા અને દેશને પણ અલિપ્ત રાખવામાં સફળતા મેળવી. તેમના અન્ એક કિસ્સાની વાત કરીએ તો સુપર માર્કેટમાં એક એવી માતાને મદદ કરી, જે પોતાનું પર્સ ઘરે ભૂલી ગઈ હતી. મહિલા પોતાનાં બે બાળકોને લઈ શોપિંગ કરવા આવી હતી. તે સુપર માર્કેટમાં કરિયાણાનો સામાન લેવા આવી હતી. સામાન લીધા બાદ લાઈનમાં ઊભાં રહીને જ્યારે તે  બિલ ચૂકવવા માટે પહોંચી તો તેણે જોયું તો તે પોતાનું પર્સ ભૂલી ગઈ છે. તે પરેશાન થવા લાગી હતી ત્યારે તેમની પાછળ ઊભેલા વડા પ્રધાન જેસિન્ડા આર્ડને આગળ આવીને તેનું બિલ ચૂકવી દીધું હતું. જેસિન્ડા એક જ વાત કહે છે કે, હુ મારા હજારો દેશવાસીઓથી અલગ નથી.

હું પણ તેમના જેવી જ છું. જો કે, આપણે ભલે 1947માં આઝાદ થઇ ગયા પરંતુ આપણા દેશના સંકુચિત મનોવૃતિ ધરાવતા નેતાઓ પછી તે કોઇ પણ પાર્ટીના હોય તેમનામાંથી ક્યારે મુક્તિ મળશે તે કહી શકાય તેમ નથી. આવા નેતાઓના અને તેમના વીઆઇપી કલ્ચરના કારણે આપણો દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે વારે તહેવારે બદનામ થઇ રહ્યો છે. ફોટા પડાવવાના હોય ત્યારે નેતાઓઓનો કોરોના ગાયબ થઇ જાય છે અને માસ્ક ઓટોમેટિક નાક પરથી નીચે ઉતરી જાય છે અને બીજી તરફ સામાન્ય પ્રજાના નાક નીચે માસ્ક હોય તો 1000 રૂપિયા દંડ. નેતાઓ રેલી અને સ્નેહમિલન સમારોહના નામે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર સભાઓમાં હજારો લોકોની ભીડ એકત્ર કરે અને સામાન્ય નાગરિકે લગ્ન કરવા હોય તો 150 મહેમાનોને જ એન્ટ્રી. આપણા દેશના નેતાઓે કંઇ નહીં કરે તો તેમણે જેસિન્ડાના આચરણનો અભ્યાસ કરવાની જરૂર છે. તો તેમને ખબર પડશે કે નેતાઓ કેવા કહેવાય? વધારે નહીં પરંતુ આપણા દેશના માત્ર 10 ટકા જ નેતા જેસિન્ડા જેવા થઇ જાય તો ભારતનું ભવિષ્ય સુધરી જાય તેમ છે.

Most Popular

To Top