ગાંધીનગર: દેશભરમાં જુદી જુદી બેંકોમાં મ્યૂલ એકાઉન્ટ ખોલાવીને સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી 719 કરોડ રૂપિયાની ઠગાઈ કરતી ચાઈનીઝ સાયબર ગેંગ સાથે સાંઠગાંઠ ધરાવતી આંતરરાષ્ટ્રીય ગેંગના 10 સાગરીતની ભાવનગરથી ધરપકડ કરાઈ છે.
સ્ટેટ સીઆઈડી ક્રાઈમના પોલીસ મહાન નિરીક્ષક ક્રાઈમ-2 પરીક્ષિતા રાઠોડની સીધી સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી.મકવાણા, જી.બી. ડોડીયા, કુલદીપ પરમારની જુદી-જુદી ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરતા સાયબર ફ્રોડના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી દુબઈમાં અને ચાઈનીઝ ગેંગ સાથે કનેક્શન ધરાવતી સિન્ડિકેટના દેશના જુદા જુદા રાજ્યોમાં કુલ 154 સાઇબર ગુનાઓને અંજામ આપી 719 કરોડથી વધુની સાઇબર ઠગાઈ કરતી આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગના 10 આરોપીની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી છે.
સ્ટેટ સીઆઈડી ક્રાઈમ અંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા આરોપીઓ અલ્પેશ ઘનશ્યામ મકવાણા (રહે, ધારુકા ભાવનગર), મહેન્દ્ર રમેશ મકવાણા (રહે, રાણપુર ભાવનગર), આબુબકરબિન અલીભાઈ શેખ બેંક કર્મચારી (રહે ભાવનગર), પાર્થ પ્રફુલ્લભ ઉપાધ્યાય બેંક કર્મચારી (રહે તળાજા, ભાવનગર), પ્રતીક અરવિંદ વાઘાણી (રામપુર, ભાવનગર), વિપુલ કાલાભાઈ ડાંગર (રહે, કાળીયા, ભાવનગર), જયરાજસિંહ બળવંતસિંહ રાયજાદા (રહે, ભાવનગર), ગુરુપુરબસિંગ સતનામસિંગ ટાંક (રહે ભાવનગર), તેજસ જીતેન્દ્ર પંડ્યા (રહે, ભાવનગર) અને દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (રહે વડલા ભાવનગર)ની ધરપકડ કરી તેમની પાસેથી 14 મોબાઈલ ફોન અને 30થી વધુ ક્રિપ્ટો વોલેટ જપ્ત કર્યા હતા.
આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ દ્વારા આર્થિક લાભ મેળવવા મ્યૂલ એકાઉન્ટ ખોલાવી તે ખાતામાં છેતરપિંડીના રૂપિયા જમા થશે, તેવું જાણવા છતાં તેઓ દ્વારા સાઇબર ક્રાઇમમાં ભોગ બનેલા નાગરિકોના નાણાં સગેવગે કરવા બેંક ખાતાની વિગતો પૂરી પાડી આ બેંક ખાતામાં જમા થતા સાયબર ફ્રોડના નાણાંનું રોકડમાં રૂપાંતર કરી આંગડિયા પેઢીમાં ક્રિપ્ટો ટ્રાન્જેક્શન મારફતે દુબઈ ચીનમાં બેઠેલા સાયબર ક્રાઇમ ગેંગના સભ્યોને મોકલી આપી પોતાનું કમિશન મેળવતા હતા. સીઆઈડી ક્રાઇમે તમામ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.