દોડને લઈ ટ્રાફિક પ્રતિબંધ; નો-એન્ટ્રી, નો-પાર્કિંગ અને વૈકલ્પિક રૂટ જાહેર
સંસ્કારી નગરી વડોદરામાં 1 ફેબ્રુઆરીના રોજ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં દેશ-વિદેશના દોડવીરો સાથે સાથે વડોદરાના મોટી સંખ્યામાં દોડવીરો ઉત્સાહભેર ભાગ લેશે.
મેરેથોન દરમિયાન વાહનચાલકોને મુશ્કેલી ન પડે તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે હેતુસર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા પ્રતિબંધિત માર્ગો, નો-એન્ટ્રી, નો-પાર્કિંગ તથા વૈકલ્પિક રૂટ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું મેરેથોન પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
આ મેરેથોનનું પ્રારંભસ્થળ નવલખી ગ્રાઉન્ડ રહેશે. મેરેથોનમાં 42 કિમી (ફુલ મેરેથોન), 21 કિમી (હાફ મેરેથોન), 10 કિમી (ક્વાર્ટર મેરેથોન), 5.65 કિમી (ટાઇમ રન) તથા 5 કિમી (ફન રન) જેવી વિવિધ દોડ યોજાશે.
દોડના સમય મુજબ 42 કિમીની દોડ સવારે 4.10 વાગ્યે, 21 કિમીની દોડ સવારે 4.25 વાગ્યે, 5.65 કિમી ટાઇમ રન સવારે 5.10 વાગ્યે, 10 કિમીની દોડ સવારે 6 વાગ્યે અને 5 કિમી ફન રન સવારે 7 વાગ્યે શરૂ કરવામાં આવશે
મેરેથોન દરમિયાન શહેરના અનેક માર્ગો પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધિત માર્ગોમાં મોતીબાગ તોપથી રાજમહેલ મેઇનગેટ, નહેરૂભવન ત્રણ રસ્તા, ફુલબારી નાકા, પંચમુખી હનુમાન મંદિર વિસ્તાર, પારસી અગિયારી ત્રણ રસ્તા, પરશુરામ ભાટા, જેતલપુર બ્રિજ, વલ્લભચોક સર્કલ, BPC રોડ, પ્રતાપનગર, દંતેશ્વર, તરસાલી, સુશેન સર્કલ, મકરપુરા, ઉર્મી સોસાયટી, અકોટા બ્રિજ, નાગરવાડા, ટાવર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા, અડાણીયા પુલ, ગાંધીનગર ગૃહ, કોર્ટ રોડ, ઇસ્કોન/ટાઇમ સર્કલ, નિલામ્બર સર્કલ તથા પ્રિયા ટોકીઝ રોડ સહિતના માર્ગોનો સમાવેશ થાય છે.
આ તમામ માર્ગો પર મેરેથોન પૂર્ણ ન થાય ત્યાં સુધી નો-એન્ટ્રી અને નો-પાર્કિંગ અમલમાં રહેશે. વાહનચાલકોને ટ્રાફિક પોલીસે સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તેમજ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.