Vadodara

હોળી-ધૂળેટી પૂર્વે બજારોમાં રોનક, રવિવારની રજામાં ધાણી-ખજૂરની ધૂમ ખરીદી

(પ્રતિનિધિ), વડોદરા. તા.1

વડોદરા શહેરમાં આજે જ્યારે હોળીની પૂજા, અર્ચના સાથે ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવશે. ત્યારે રવિવારના રોજ સંસ્કારી નગરી વડોદરાના બજારોમાં તહેવારનો માહોલ જામ્યો છે. રવિવારની રજા હોવાથી શહેરના રાજમાર્ગો અને મુખ્ય બજારોમાં ધાણી, ખજૂર, ચણા અને ખારીસિંગની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના માંડવી, ન્યાયમંદિર, મંગળબજાર, રાવપુરા, અને કારેલીબાગ સંગમ ચાર રસ્તા જેવા વિસ્તારોમાં સવારથી જ ગ્રાહકોની ચહલપહલ વધી ગઈ હતી. હોળીના તહેવારમાં હોળિકા દહન સમયે અને પ્રસાદ તરીકે ધાણી-મમરાનું વિશેષ મહત્વ હોય છે, જેના કારણે લારીઓ અને દુકાનો પર આ ચીજવસ્તુઓના મોટા ઢગલા જોવા મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. તેમ છતાં, લોકો પરંપરાગત રીતે ઉજવણી કરવા માટે હોંશે-હોંશે ખરીદી કરી રહ્યા છે. બજારમાં સાદી ધાણીની સાથે જુવારની ધાણીની માંગ વધુ જોવા મળી રહી છે. ઉત્તમ ગુણવત્તાના ખજૂર માટે લોકો ખાસ આગ્રહ રાખી રહ્યા છે. હોળીની વિશેષ જોડી ગણાતા શેકેલા ચણા અને ખારીસિંગનું વેચાણ પણ જોરશોરથી થઈ રહ્યું છે. નોકરિયાત વર્ગ અને ગૃહિણીઓએ રવિવારની રજાનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. બપોરના સમયે ગરમી હોવા છતાં સાંજ પડતા જ બજારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. રસ્તા પર કામચલાઉ ઉભા થયેલા ધાણી-ખજૂરના હાટડાઓને કારણે વાહનવ્યવહારમાં પણ ક્યાંક ધીમી ગતિ જોવા મળી હતી.
આ વખતે ચંદ્ર ગ્રહણ હોવાને કારણે હોળી દહનના એક દિવસ બાદ રંગોના પર્વ ધુળેટી ની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે બજારમાં ગુલાલ અને પિચકારીઓની ખરીદીમાં પણ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. સ્કૂલોમાં રજા હોવાના કારણે બાળકોમાં પણ ગુલાલ અને પિચકારીઓની ખરીદી માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં આ વખતે વિવિધ ડિઝાઇન અને આકર્ષક પિચકારીઓ ઉપલબ્ધ છે. યુનિકોર્ન અને ઈલેક્ટ્રિક પિચકારીઓ સાથે સાથે 2 કિલોથી 6 કિલો સુધીના ગુલાલ સિલિન્ડર જેવી નવીન વસ્તુઓ બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.

Most Popular

To Top