Vadodara

હોર્ડિંગ્સ મામલે ગરમાયું રાજકારણ, કોર્પોરેટર અને સામાજિક કાર્યકર વચ્ચે સોશિયલ મીડિયા પર ‘વાકયુદ્ધ’

વડોદરામાં કોર્પોરેટર અને સામાજિક કાર્યકર વચ્ચે ‘વૉર ઓફ વર્ડ્સ’
(પ્રતિનિધિ), વડોદરા. તા.9

શહેરના વોર્ડ નંબર 8 ના ભાજપના કોર્પોરેટર મીનાબા પરિમલસિંહ ચૌહાણ અને સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ સામસામે આવી ગયા છે. સોશિયલ મીડિયા પર શરૂ થયેલી આ જંગ હવે જાહેર ચર્ચાનો વિષય બની છે. સ્વેજલ વ્યાસે આક્ષેપ કર્યો છે કે તેમના લોક-ડાયરાના કાર્યક્રમના બેનરો કોર્પોરેટરના ઈશારે હટાવવામાં આવ્યા છે, જેના વળતા જવાબમાં કોર્પોરેટરે ખુલ્લી ચેલેન્જ ફેંકી છે.

સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “મેં મારા ડાયરાના કાર્યક્રમ માટે જે બેનરો લગાવ્યા હતા, તે મીનાબા ચૌહાણના કહેવાથી ઉતારી લેવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ હોર્ડિંગ્સ કોઈ જાહેર માર્ગ પર નહીં, પરંતુ પાર્ટી પ્લોટની અંદર જે એક પ્રાઈવેટ પ્રોપર્ટી છે ત્યાંથી હટાવવામાં આવ્યા છે. સત્તાનો આવો દુરુપયોગ કેટલો યોગ્ય ?”
કોર્પોરેટરની ખુલ્લી ચેલેન્જ : “તાકાત હોય તો મારું બોર્ડ હટાવી બતાવો”

આ આક્ષેપો સામે કોર્પોરેટર મીનાબા ચૌહાણે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી વળતો પ્રહાર કરતા કહ્યું કે, “મારું જે બોર્ડ લાગેલું છે તે દિશા-સૂચક બોર્ડ છે અને તે પબ્લિકની સુવિધા માટે મૂકવામાં આવ્યું છે. જો તમારામાં તાકાત હોય તો મારું બોર્ડ હટાવીને બતાવો. અને હા, જ્યારે હટાવવા આવો ત્યારે મને જાણ કરીને આવજો, મારે પણ જોવું છે કે તમે મારું બોર્ડ કેવી રીતે હટાવો છો.”

સામે સ્વેજલ વ્યાસનો વળતો જવાબ :- કોર્પોરેટરની ચેલેન્જ બાદ સ્વેજલ વ્યાસે ફરી વળતો પ્રહાર કરતા કહ્યું કે, “બેન, મારા હોર્ડિંગ્સ તો તમે પ્રાઈવેટ પ્રોપર્ટીમાંથી હટાવ્યા છે. પ્રજાના કામ કરવાને બદલે જો આવી રીતે અંગત અદાવત રાખવામાં આવશે તો જનતા બધું જ જોઈ રહી છે.” એક તરફ દિશા-સૂચક બોર્ડને જનતાની સુવિધા ગણાવતા કોર્પોરેટર અને બીજી તરફ ખાનગી મિલકતમાંથી બેનરો હટાવવાનો આક્ષેપ કરતા સામાજિક કાર્યકર વચ્ચેની આ લડાઈ હવે વડોદરાના રાજકીય વર્તુળોમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. સોશિયલ મીડિયા પર બંનેના સમર્થકો પણ આ યુદ્ધમાં ઝંપલાવી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહે છે કે આ વિવાદ ક્યાં જઈને અટકે છે.

Most Popular

To Top