Vadodara

હોટલમાં યુવકને કેફી પીણુ પીવડાવી રૂ.1.10 લાખની મતા લૂંટી યુવતી ફરાર : પોલીસ ગુનો દાખલ કરતી નથી

પોલીસની નિષ્ક્રીયતા કારણે બિન્દાસ્ત ફરતી લુંટ કરનાર આરોપી મહિલા

પ્રતિનિધિ વડોદરા તા.11

સોશિયલ મીડિયા પરથી સંપર્કમાં આવેલી  પશ્ચિમ બંગાળની યુવતીએ યુવકને મળવા માટે વડોદરા આવતા બંને સયાજીગંજની હોટલમાં રોકાયા હતા. ત્યારબાદ યુવતી યુવકને કેફી પીણુ પીવડાવી બેભાન કર્યા બાદ સોનાની ચેન અને પર્સમાંથી રોકડા રૂ.50 હજાર મળી રૂ.1.10 લાખન મતાની લૂંટ કરી ફરાર થઇ ગઇ હતી. ભાનમાં આવેલા યુવકે યુવતી વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી પરંતુ અરજીને ત્રણ દિવસ થઇ ગયા છતાં હજુ ગુનો દાખલ કરાયો નથી. પોલીસને બેદરકારીને કારણે લુંટ કરનાર મહિલા બિન્દાસ્ત રીતે ફરી રહી છે.

વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર ખોડિયારનગર વિસ્તારમાં રહેતો અને બ્રોકરેજનુ કામ કરતો યુવક સોશિયલ મીડીયાના માધ્યમથી પશ્ચિમ બંગાળની કલ્પના રોય નામની યુવતી સાથે સંપર્ક આવ્યો હતો. દરમિયાન બંને વચ્ચે વાતચીત થતી રહેતી હતી. દરમિયાન પશ્ચિમ બંગાળની યુવતી યુવકને મળવા માટે વડોદરા ફ્લાઇટમાં વડોદરા મળવા માટે આવી હતી. આ ફ્લાઇટની ટિકિટ પણ યુવકે કરી આપી હતી. યુવતી એરપોર્ટ પર ઉતરી હતી ત્યારે યુવક અને તેનો મિત્ર તેને લેવા માટે ગયા હતા. પરંતુ યુવતી વડોદરામાં પાંચ છ દિવસ રોકાવાની હતી. જેથી સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતી હોટલમાં રૂમ પણ બુક કરાવ્યો હોય યુવકનો મિત્ર યુવતી સહિત બ્રોકરને હોટલમાં પર છોડી કાર લઇને જતી રહ્યો હતો. દરમિયાન રાત્રીના સમયે યુવતીએ યુવકને કોઇ ઘેનયુક્ત પદાર્થ પીવા માટે આપ્યું હતું. જે પીધા બાદ બ્રોકર યુવક કુંભકર્ણ બેભાન થઇ ગયો હતો. દરમિયાન મોડી રાત્રીના સમયે યુવતીએ યુવકના પર્સમાંથી રોકડા 50 હજાર તથા ગળામાં પહેરેલી સોનાના ચેન મળી રૂ. 1.10 લાખની મતાની લૂંટ કરીને ફરાર થઇ ગયી હતી જેથી યુવકે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરંતુ અરજી આપ્યાને ત્રણ દિવસ થઇ ગયા હોવા છતાં સયાજીગંજ પોલીસ દ્વારા મગનું નામ પાડતી ન હોય તેમ ગુનો પણ દાખલ કર્યો નથી, લુંટ કરનાર મહિલાને શોધખોળ પણ કરવામાં આવતી નથી તેવો આક્ષેપ યુવકે કર્યો છે.

લુંટ કરનાર યુવતીના પતિએ ભોગ બનનાર બ્રોકર વિરુદ્ધ ફરિયાદ પોલીસને ફોન કર્યો

પશ્ચિમ બંગાળ ખાતે રહેતી યુવતી સયાજીગંજની હોટલમાં કેફીપીણુ પીવડાવ્યા બાદ બ્રોકરને લુંટીને ફરાર થઇ હતી. ત્યારે યુવતીના પતિ દ્વારા કારેલીબાગ પોલીસને મારી પત્નીને સયાજીગંજની હોટલમાં ગોંધી રાખવામાં આવી છે તેવો ફોન કર્યો હતો અને બ્રોકર યુવક સામે ફરિયાદ નોંધવા માટે જણાવ્યું હતું. આ રીતના લૂંટ કરી હોવા છતાં બળાત્કારની ફરિયાદ નોંધાવી તોડપાણી કરવામાં આવતી હોવાની ઘણી ફરિયાદો નોંધાતી હોય છે, ત્યારે પોલીસે તપાસ કરી યુવતીને ઝડપી પાડે તો સીચી હકીકત બહાર આવે તેમ છે.

Most Popular

To Top