વડોદરા: વડોદરા શહેરમાં લારી-ગલ્લા તથા પથારાવાળાઓને હટાવવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. જોકે, ભારત સરકાર દ્વારા ૨૦૧૪માં જાહેર કરાયેલી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ હજુ સુધી યોગ્ય રીતે થયો નથી. શહેરમાં હોકિંગ અને નોન-હોકિંગ ઝોન જાહેર કરવા વિશે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોય, ત્યારે ધંધાર્થીઓ પર કાર્યવાહી કરવી એ હક છીનવવા સમાન છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી માંગ મુજબ, વડોદરા મહાનગરપાલિકા તેમજ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર રોજગાર પૂરું પાડવામાં નિષ્ફળ રહી છે. લોકો પોતાની રોજીરોટી માટે લારીઓ ચલાવે છે, પથારાઓ લગાવે છે, અને તેમાંથી પોતાનો પરિવાર ચલાવે છે. એવું હોય છતા, જ્યારે પણ વડાપ્રધાન, મુખ્યમંત્રી કે અન્ય VVIP મહાનુભાવો શહેરમાં આવે છે ત્યારે આવા ગરીબ ધંધાર્થીઓના વાહનો અને પથારા દબાણ ગણાવીને હટાવી દેવામાં આવે છે.
આ કામગીરી દરમિયાન નાગરિકોના સામાન જપ્ત થાય છે અને તેને છોડી લેવા માટે તેઓને ૧૫ દિવસની રાહ જોવી પડે છે. આ દરમિયાન તેઓ રોજગારીથી વંચિત રહે છે. સાથે-સાથે પોતાનો સામાન લાવવો અને પાછો વ્યવસ્થિત કરવો એ માટે હજારોથી વધુ ખર્ચ થાય છે, જે ગરીબ માણસ માટે “દાજ્યા ઉપર ડામ” જેવી પરિસ્થિતિ ઉભી કરે છે. કોંગ્રેસનો મત છે કે રાજ્ય સરકાર આ વિષયમાં ગંભીરતાપૂર્વક વિચારવિમર્શ કરીને હોકિંગ ઝોન જાહેર કરે અને ત્યાં સુધી આવા લઘુ ધંધાર્થીઓના રોજગાર ઉપર દુષ્પ્રભાવ ન પડે તે માટે યોગ્ય માર્ગદર્શન આપે. PM સ્વનિધિ યોજનાના નામે લોન આપે અને બીજી તરફ તેમનો ધંધો હટાવે એ યોગ્ય નથી.