Vadodara

હેરિટેજ સિટી પહેલા વડોદરા બન્યું ભૂવા સિટી, વધુ એક ભૂવો પડ્યો

હેરિટેજ અને ક્રિએટિવ સિટીની મોટી મોટી વાતો કરવા કરતાં શાસકો શહેરના લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા પર વધારે ધ્યાન આપે તો સારું….

પ્રતિનિધિ, વડોદરા, તા. 11

વડોદરાને હેરિટેજ અને ક્રિએટિવ સિટીનું ટેગ અપાવવા માટે વૈભવી હોટેલમાં મોટી મોટી વાતો થઈ રહી છે, પરંતુ શહેરના લોકો જે યાતના ભોગવી રહ્યા છે, તે માટે કોઈ ચિંતન, મનન કે એક્શન થઈ રહ્યું નથી. હેરિટેજ કે ક્રિએટિવ સિટીનું ટેગ તો લાગતા લાગશે પણ તે પહેલાં વડોદરાને ભૂવા સિટીનું ટેગ મળી ગયું છે. આ ભૂવા સિટીમાં રવિવારે વધુ એક ભૂવો પડ્યો હતો.

વડોદરા મહાનગર પાલિકામાં થયેલો ભ્રષ્ટાચાર રોજેરોજ રસ્તાઓ ઉપર ભૂવાઓ સ્વરૂપે બહાર આવી રહ્યો છે. એક, બે, ત્રણ ભૂવાઓ પડે તો સમજી શકાય પરંતુ વરસાદી સીઝન ચાલુ થયા પછી એક દિવસ કે શહેરનો એક વિસ્તાર બાકી નહીં હોય જ્યાં ભૂવા ન પડ્યા હોય.‌ વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી અને કોન્ટ્રાક્ટર ના ખિસ્સા ભરવા માટે રોડ રસ્તા ઉપર તકલાદી કામ કરવામાં આવે છે અને તેના ફળ સ્વરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર રોજબરોજ ભૂવાઓ પડતા નજરે પડે છે.

આજ રોજ સવારે વડોદરા શહેરમાં ગેંડા સર્કલ થી ગોરવા જતા મુખ્ય રોડ પર મસમોટા ભૂવાએ ત્યાંથી પસાર થતાં સૌ રાહદારીઓને દર્શન આપ્યા હતા. સદનસીબે આ ભૂવાઓને કારણે કોઈ અકસ્માત નથી થયા. વિચારવી જેવી બાબત એ છે કે રોડ રસ્તાઓનાં કામમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કેવું મટીરીયલ વાપર્યું હશે કે આ પ્રકારે એક પછી એક ભૂવાઓ પડવાનું રોકાતુ જ નથી. અને વડોદરા મહાનગર પાલિકા ભૂવાઓ પડવા પાછળ પોતે જ જવાબદાર છે તેવું સ્વીકારતી પણ નથી.

વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનામાં અંસખ્ય ભૂવાઓ પડ્યા છે અને તેના સમારકામ માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ થઈ રહ્યો છે. એટલે તંત્ર નાં પાપે ભૂવાઓ પડે અને સમારકામ માટે નાગરિકોએ ભરેલ વેરાનો ઉપયોગ થાય. હવે તમે જ નક્કી કરો કે વડોદરા મહાનગર પાલિકાની કામગીરી પર વિશ્વાસ રાખવો કે નહિ.?

Most Popular

To Top