*બહારથી આવતા લોકો કલાનગરીમાં પ્રવેશતાં જ શું વિચારે?*
*દુમાડ ચોકડી ખાતે વડોદરાના ઐતિહાસિક ચિત્રો તો દોર્યા પરંતુ તેની યોગ્ય જાળવણીમાં તંત્ર નિષ્ફળ રહ્યું*
(પ્રતિનિધિ) વડોદરા તા. 24
વડોદરા શહેર એ કલાનગરી, સંસ્કારી નગરી તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત છે પરંતુ શું આપ સૌ જાણો છો કે દેશની આઝાદી પહેલાં વડોદરા એક સ્ટેટ ગણાતું અને તેમાંય તે જે તે વખતે સમૃદ્ધ અને સુવિધાઓથી ભરપૂર સ્ટેટ તરીકે ઓળખાતું વડોદરા સ્ટેટમાં જે તે સમયે અહીંના મહારાજા ગાયકવાડ દ્વારાતેઓની દીર્ઘદ્રષ્ટિ ને કારણે આધુનિક ઇમારતો, જળાશયો, મ્યુઝિયમ, બાગબગીચો અને સ્ટ્રીટલાઇટ એ સર્વ પ્રથમ વડોદરામાં હતી. આજવા સરોવર, પાલિકાની જે કચેરી અત્યારે કાર્યરત છે તે ઇમારત, કોઠીકચેરીની ઇમારત, લહેરીપુરા, માંડવી ચારદરવાજા, પાણીગેટ, ગેંડીગેટ, ચાંપાનેર દરવાજા આ તમામ ઇમારતો, લાઇબ્રેરી એ વડોદરાના દીર્ઘદ્રષ્ટિ ધરાવતા ગાયકવાડ રાજાની અમૂલ્ય ભેટ વડોદરાને મળી હતી. વડોદરા અગાઉથી જ આધુનિક રહ્યું છે જેની નોંધ અને ચર્ચા જે તે સમયે દેશ દુનિયામાં લેવાતી હતી. આજે આપણે વડોદરાના વિકાસની જે વાતો કરીએ છીએ પરંતુ આપણે ખરેખર વિકાસ કર્યો છે ખરો? આપણા વડોદરાને રાજાએ આપેલી અકલ્પનિય, બહુમૂલ્ય સંપતિને, વારસાને જાળવવામાં નિષ્ફળ રહ્યાં છે ત્યાં સુધી કે વડોદરા મહાનગરપાલિકા વિકાસના નામે દરવર્ષે કરોડો રૂપિયા બજેટમાં મૂકે છે અને ખર્ચે છે પરંતુ આજે શહેરમાં આવેલી હેરિટેજ ઇમારતોની જાળવણી તો દૂર રહી તેના રંગરોગાન પણ કરાવી શકતી નથી. ત્રણેક વર્ષ અગાઉ ઐતિહાસિક લહેરીપુરા દરવાજાની છત વાવાઝોડા સમયે તૂટી પડી હતી જેનું લાખોના ખર્ચ છતાં યોગ્ય છતને ના તો આકાર આપી શક્યું તંત્ર ના તો મજબૂતી સાથે નિર્માણ કરાવી શક્યું. આજે પાણીગેટ જેવા હેરિટેજ દરવાજા પાસે જૂતાં મૂકવાનું સ્ટેન્ડ બનાવી દેતાં શહેર નિહાળવા બહારથી આવતા પર્યટકોને આવા દ્રશ્યો જોવા પડે છે.
વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણી સમયે શહેરના ફ્લાયઓવર બ્રિજ નીચે બ્રિજની દિવાલો ઉપર રાજમહેલ, ગાયકવાડ રાજાના ચિત્રો, દેશની આઝાદીના ઘડવૈયાઓના ચિત્રો તૈયાર કર્યા હતા જેથી વડોદરા દર્શન માટે, વડોદરાને નિહાળવા અહીની ઐતિહાસિક ધરોહર, સંસ્કૃતિ ને નિહાળવા દેશના વિવિધ રાજ્યોથી તથા વિદેશથી સહેલાણીઓ આવે તો વડોદરામાં પ્રવેશતાં જ તેઓને ઐતિહાસિક વડોદરા નગરીના દર્શન નો ખ્યાલ આવે પરંતુ દરવર્ષે વિકાસના નામે કરોડોના બજેટ અને વિકાસ પાછળ ખર્ચ કરતું તંત્ર ઐતિહાસિક હેરિટેજ ઇમારતો તો ઠીક પરંતુ આ બે વર્ષ પહેલાં તૈયાર કરેલા ચિત્રોની જાળવણી, નિભાવણી કરવામાં પણ નિષ્ફળ રહ્યું છે. બહારથી શહેરમાં પ્રવેશતા દુમાડ ચોકડી બ્રિજની દિવાલો પર કલાનગરી વડોદરાની સંસ્કૃતિના દર્શન સમા ગરબા કે જે દેશવિદેશમાં પ્રખ્યાત છે તે તથા રાજમહેલ, મહારાજા સયાજીરાવ ગાયકવાડના અદભૂત ચિત્રો કંડારવામાં આવ્યા હતા અને જે તે વખતે આ ચિત્રો લાંબા સમય સુધી રહેશે તેમ તંત્ર તથા જે તે ચિત્ર દોરનારી એજન્સી અને કલાકારો દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આ વોલ પેઇન્ટિંગ ને ત્રૃતુની અસર નહિ થાય પરંતુ માત્ર બે વર્ષના સમયગાળામાં જ શહેરના પ્રવેશ માર્ગે સયાજીરાવ ગાયકવાડના અશ્વ પરનું ચિત્ર ખરાબ થઇ ગયું છે આ ચિત્ર જોઇ બહારથી આવતા પર્યટકો, સહેલાણીઓ, વિદેશથી આવતા એન.આર.આઇ. શું વિચારતા હશે? તે જ રીતે શહેરની ઐતિહાસિક ઇમારતો, એમ.એસ.યુનિવર્સિટી, શહેરના વિવિધ સર્કલો પરની પ્રતિમાઓના રંગ ઉડી ગયા છે આ તંત્રની નિષ્કાળજી, નિષ્ક્રિયતા અને નિષ્ફળતા દર્શાવે છે અને રાજકારણીઓ,પાલિકા તંત્ર વિકાસના મોટા મોટા બણગાં ફૂકે છે જ્યારે હકિકત કંઈક અલગ જ ચિતાર રજૂ કરે છે.
હેરિટેજની જાળવણીમાં નિષ્ફળ વડોદરા મનપાનું તંત્ર બે વર્ષ પહેલાંના ચિત્રો પણ સાચવી શક્યું નહિ
By
Posted on