પોતાના બંને સંતાનોની કસ્ટડી લેવા માટે પતિ સામે પત્નીએ કેસ પણ કર્યો
વડોદરા તા.11
અમદાવાદ ખાતે પિયરમાં રહેતી મહિલા કોર્ટમાં હુકમ પ્રમાણે માંજલપુર વિસ્તારમાં સાસરીમાં તેમના સંતાનોને મળવા માટે આવી હતી. પરંતુ મહિલાના તેના પતિએ છોકરા સાથે તને નહી મળવા દઉ તેમ કહીને ડંડાથી ઢોર માર માર્યો હતો. મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ ખાતે રહેતા તન્વીબેન તુષારભાઈ ચૌહાણ પતિ અલગ પોતાના પિતા રાજેશભાઈ પરમારના ઘરે છેલ્લા એક વર્ષથી રહે છે. તેની માંજલપુરના વડસર રોડ પર આવેલી નંદીગ્રામ સોસાયટી આવેલી છે. પતિ અને પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થયા કરતા હોવાના કારણે પત્નીએ પતિ વિરુધ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ઈપીકો કલમ-498(ક) તથા ભરણ પોષણનો કેસ ચાલુ છે તથા દિયર વિરુધ્ધ ઈપીકો કલમ-354 મુજબ કર્યો છે. મહિલાને બે સંતાન છે જે એક પુત્ર દસ તથા દીકરી 5 વર્ષની છે. જેથી સંતાનોની પતિ પાસેથી કસ્ટડી લેવા માટે કોર્ટમાં કેસ કર્યો છે. જેથી કોર્ટ દ્વારા તેમના સંતાનોને દર રવિવારે મળવાનો હુકમ કરાયો છે. જેથી માતા પોતાના સંતાને રવિવારે અમદાવાદથી વડોદરા ગોરવા ખાતે રહેતી બહેનના ઘરે ગઇ હતી ત્યાંથી તેમની બહેનના ભાડૂઆત જયાબેન શ્રીમાળી લઈને વડસર ખાતે સાસરીના મકાનમાં મારા પુત્ર તથાપુત્રીને મળવા ગઇ હતી. ત્યારે મકાનના દરવાજાને તાળુ મારેલું હતું. જેથી મહિલાએ દરવાજો ખખડાવતા તેના પતિ પાછળથી બહાર આવ્યા હતા. પતિએ પત્નીને હુ તને મારા છોકરા સાથે નહી મળવા દઉ તેમ કહી ગાળો આપતા હતા. જેથી પત્નીએ ગાળો નહીં આપવાનું કહેતા તેઓએ વાળ પકડીને ડંડા વડે પત્નીને માર માર્યો હતો. ગભરાઇને તેમની સાથે આવેલી ભાડૂઆત પણ ત્યાંથી જતા રહ્યા અને મહિલાને ઇજા પહોંચી હોય 108 અમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાઇ હતી. ત્યારબાદ મહિલાએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.