અનાજના જથ્થામાં જીવડાંઓનું સામ્રાજ્ય, રહીશો ત્રાહિમામ



(પ્રતિનિધિ), વડોદરા. તા.19
શહેરના મધ્યમાં આવેલા હુજરત ટેકરા વિસ્તારમાં સરકારી અનાજના ગોડાઉનમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ગરીબોના પેટનો ખાડો પૂરવા માટે રાખવામાં આવેલો અનાજનો જથ્થો અત્યારે જીવડાંઓનું ઘર બની ગયો છે. ગોડાઉનની દીવાલોથી લઈને અનાજના ઢગલાઓ સુધી સર્વત્ર જીવડાંઓનો ભારે ઉપદ્રવ જોવા મળતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભયનો માહોલ ફેલાયો છે. હુજરત ટેકરા પાસે આવેલા આ સરકારી ગોડાઉનમાં લાંબા સમયથી સફાઈનો અભાવ અને જંતુનાશક દવાઓના છંટકાવમાં અનિયમિતતા જોવા મળી રહી છે. હાલત એટલી હદે વણસી છે કે ગોડાઉનની બહારની દીવાલો પર પણ હજારોની સંખ્યામાં જીવડાંઓ ચડી રહ્યા છે. અનાજની ગુણીઓમાં જીવાત પડી જવાથી આ અનાજ હવે ખાવાલાયક રહ્યું છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. માત્ર ગોડાઉન પૂરતું જ નહીં, પરંતુ આ ઉપદ્રવ હવે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ ફેલાયો છે. સ્થાનિક રહીશોની ફરિયાદ છે કે જીવડાંઓ ઉડીને લોકોના ઘરોમાં, રસોડામાં અને પીવાના પાણીના વાસણો સુધી પહોંચી રહ્યા છે. સાથે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ અને જીવાતને કારણે બીમારી ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિક રહીશોના આક્ષેપો મુજબ ગોડાઉન મેનેજર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાનો ખર્ચ સફાઈ અને જાળવણી પાછળ દેખાડવામાં આવે છે, તો પછી આવી ગંભીર પરિસ્થિતિ કેમ સર્જાઈ ? શું આ અનાજ રેશનિંગની દુકાનો દ્વારા સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં આવશે ? જો આવું પ્રદૂષિત અનાજ લોકો ખાશે તો તેનાથી થનારી બીમારીની જવાબદારી કોની રહેશે ?
આ સમગ્ર મામલે ગોડાઉનના આસિસ્ટન્ટ મેનેજર પિંકેશ રાણા એ જણાવ્યું હતું કે આ અનાજનો જથ્થો ખરાબ નથી. અમારે 3 મહિનાનો જથ્થો રાખવો પડે. FCI સેન્ટ્રલ ગોવર્મેન્ટન ના ગોડાઉન માંથી લેબમાં પરીક્ષણ થઈને અનાજનો જથ્થો અમારી પાસે આવે છે. ખરાબ અને બગડેલો જથ્થો હોય તો એ અમને બદલી આપવામાં આવે છે. આ અનાજનો જથ્થો ખરાબ નથી પરંતુ જૂનો હોય શકે એવું જણાવવામાં આવ્યું હતું.