સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવાની માંગણી :
દિવસે પોસ્ટર પ્રદર્શન અને રાત્રે યુનિવર્સીટીમાં પોસ્ટર લાગ્યા
( પ્રતિનિધિ ) વડોદરા,20
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રાધાન્યતાના મુદ્દે વિવિધ વિદ્યાર્થી સંગઠનો રજૂઆતો કરી રહ્યા છે. તેવા સમયે ગત મોડી રાત્રે કેમ્પસમાં સ્થાનિક વિદ્યાર્થીઓના નામે શરૂ કરેલા પોસ્ટર વોરમાં બીજા દિવસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ( ABVP )એ આ પોસ્ટર વોરની જવાબદારી સ્વીકારી છે.
મહારાજા યુનિવર્સિટી સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની 70%ની અનામત પ્રથા તોડી પચાસ ટકા સુધી કરવાની કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોની હિલચાલને પગલે અનેક વિદ્યાર્થી સંગઠનો મેદાને પડ્યા છે. અને રજીસ્ટ્રાર સુધી આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી છે. જેને પગલે એક તબક્કે વાઈસ ચાન્સેલરની સૂચનાથી ઇન્ચાર્જ પીઆરઓએ આ સંદર્ભે કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી, તેવી જાહેરાત કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. તેવા સમયે ગત મોડી રાત્રે યુનિવર્સિટી કેમ્પસની કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાધાન્યતા આપવાની માંગ સાથે પોસ્ટરો લાગ્યા હતા. આ પોસ્ટર વોરની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દ્વારા માથે લેવામાં આવી છે. અને કોમર્સ ફેકલ્ટીની પ્રવેશ પ્રક્રિયામાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાધાન્યતા નહીં અપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
નોંધનીય છે કે થોડા દિવસ પૂર્વે આ મામલે યુનિવર્સીટીના PRO પ્રોફેસર હિતેશ ડી.રવિયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની દ્વારા વડોદરા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે કોઈપણ પ્રકારના ક્વોટા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જેની અત્રેથી સ્પષ્ટતા કરવામાં આવે છે. આ અંગે યુનિવર્સિટી દ્વારા જ્યારે પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે, ત્યારે તે અંગેની વિધિવત જાહેરાત કરવામાં આવશે.