Vadodara

“હું પડું છું, જોજો” કહી મહલી કેનાલમાં કૂદી યુવકનો આપઘાત

મોબાઈલ અને હેન્ડગ્લોવ્સ દુકાને મૂકીને દોટ મૂકી કેનાલમાં કૂદ્યો

દુકાનદારે બચાવવાનો પ્રયાસ કર્યો છતાં યુવકને બચાવી ન શક્યા

વડોદરા, તા.16
વડોદરા જિલ્લાના પાદરા તાલુકા પાસે આવેલી મહલી કેનાલમાં કૂદી એક યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢી પાદરા પોલીસને સોંપ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
માહિતી મુજબ પાદરા તાલુકાના ડભાસા ગામના રહેવાસી અતુલભાઈ રવજીભાઈ ઠાકોર (ઉંમર 25 વર્ષ) મહલી કેનાલમાં કૂદી જતા ડૂબી ગયા હતા. ઘટના બનતા આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડ તથા પોલીસને જાણ કરવામાં આવી હતી.
જીઆઈડીસી ફાયર સ્ટેશનના સબ ઓફિસર જયદાન બારહટ અને સર સૈનિક વિપુલ સાધુ સહિતની ટીમ બોટ અને એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં બોટ ઉતારીને શોધખોળ શરૂ કરી અને લગભગ એક કલાક બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
લાંબા સમયથી ચામડીની બીમારીથી પરેશાન હતો યુવક
માહિતી મુજબ યુવક છેલ્લા પાંચ-છ દિવસથી વારંવાર કહેતો હતો કે “હું કેનાલમાં પડીને મરી જઈશ.” ઘટનાના દિવસે તે પોતાની સાઈકલ લઈને કેનાલ પાસે આવેલી સાઈકલની દુકાને ગયો હતો. ત્યાં તેણે પોતાની સાઈકલ, મોબાઈલ અને હેન્ડગ્લોવ્સ દુકાનદાર પાસે મૂક્યા હતા અને “હું પડું છું, જોજો” એવું કહી દોડતો કેનાલમાં કૂદી ગયો હતો.
આ સમગ્ર ઘટના સાઈકલની દુકાન ચલાવતા વ્યક્તિએ પોતાની આંખે જોઈ હતી. તેમણે યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો અને બૂમાબૂમ કરીને લોકોનું ધ્યાન દોર્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં યુવક પાણીમાં ડૂબી ગયો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન મૃતકના પિતાએ જણાવ્યું હતું કે યુવક લાંબા સમયથી ચામડીની બીમારીથી પીડાતો હતો અને તેની સારવાર પણ ચાલી રહી હતી. સારવાર છતાં કોઈ ખાસ ફરક ન પડતા તે માનસિક રીતે કંટાળી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ પાદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top