લાલબાગ બ્રિજ પર રાત્રે રિફ્લેક્ટર કે બેરિકેટ વગર કામમાં ઉડાઉ જવા
રિક્ષા ચાલકના મોત બાદ પણ ખાડા પૂરવાની કામગીરીમાં બેદરકારી યથાવત્

વડોદરા શહેરમાં તાજેતરમાં રીક્ષા ચાલકના મોત બાદ પણ પાલિકા દ્વારા ખાડા ભરવાની કામગીરીમાં પૂરતી સતર્કતા અપનાવવામાં આવી નથી. ચોમાસાની સિઝનમાં શહેરમાં અનેક જગ્યાએ ખાડા પડ્યા છે અને તાકીદે તેનું પૂરવણી કામ કરવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા શહેરમાં કેટલાં ખાડા છે તેની માહિતી ફાયર વિભાગને એકત્ર કરવાની જવાબદારી આપી છે. દરમિયાન ખાડા પૂરવાનું કામ ટ્રેક્ટર અને અન્ય વાહનો દ્વારા દિવસ-રાત ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયમાં કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારના ચેતવણીના બોર્ડ, રિફ્લેક્ટર કે બેરિકેટ મૂકવામાં આવતા નથી. આમ જ એક ઘટનામાં લાલબાગ બ્રિજ પર ગત રાત્રીએ પાલિકા ટ્રેક્ટર અને મજૂરો ખાડા પૂરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા એક વાહનચાલકે બેરિકેટ લગાવવાની તાકીદ કરી. પરંતુ જવાબદાર સુપરવાઈઝરે જણાવ્યું કે, “હું જાતે જ ઊભો છું, બેરિકેટની જરૂર નથી.” આવો ઉડાઉ જવાબ આપ્યો હતો.
આ પ્રકારની બેદરકારી ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જી શકે છે. હજુ તો હમણાં જ પાલિકાએ ખોદેલા ખાડાની ગંભીર બેદરકારીના કારણે એક રીક્ષા ચાલકનું મૃત્યુ થયું હતું. છતાં પાલિકા તરફથી કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન કે સુરક્ષા પગલાં જોવા મળતા નથી. નિયમ મુજબ, રાત્રિના સમયે કામ દરમિયાન ચમકતા રિફ્લેક્ટર, લાઈટ અને બેરિકેટ અનિવાર્ય હોવા જોઈએ. પણ હાલની સ્થિતિ પરથી તો લાગે છે કે પાલિકા કોઇથી પણ ભુલમાંથી બોધ લેતી નથી.
ફાયર વિભાગે 150 જીવલેણ ખાડા શોધ્યા
ફાયર વિભાગને પાલિકા દ્વારા જાનમાલને નુકસાન થાય એમ હોય તેવા ખાડા શહેરભરમાંથી શોધવા કહ્યું છે. આવા ખાડા શોધી ફાયરના કર્મીઓ તેની કંટ્રોલમાં જાણ કરે છે અને બાદમાં ખાડા ભરવાનું કામ પાલિકા દ્વારા કરાય છે. કામ સોંપ્યા બાદ અત્યાર સુધીમાં ફાયરના કર્મીઓએ શહેરભરમાં જાનમાલને નુકસાન થઈ શકે એવા 150 જેટલા ખાડા શોધ્યા છે. જો કે, તાજેતરમાં રિક્ષા ચાલકનું જે ખાડાના લીધે મોત થયું તે ખાડો શોધ્યો હતો કે કેમ તે જાણી શકાયું નથી.