તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જવાની શક્યતા શનિ-રવિવારે રાજ્યના કેટલાક સ્થળોએ માવઠું થશે
વાદળછાયુ વાતાવરણ હટતા ગાત્રો થિજાવતી ઠંડી પડશે
(પ્રતિનિધિ) વડોદરા તા. 26
છેલ્લા ચાર દિવસથી શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે જ રાત થી વહેલી સવાર સુધી ગાઢ ધુમ્મસ અને ઝાકળ જોવા મળી રહ્યું છે. હિમાલયના પર્વતીય વિસ્તારમાં હાલ સતત બરફ વર્ષા ચાલી રહી છે જેના કારણે ઉત્તર થી દક્ષિણ તરફ બર્ફીલા પવનો ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સતત બરફ વર્ષા થી ફૂંકાતા બર્ફિલા પવનને કારણે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો કહેર વર્તાઇ રહ્યો છે.સતત વાદળછાયુ તથા ઠંડીના પવનને કારણે જનજીવન પર વ્યાપક અસર પડી રહી છે ખાસ કરીને શ્વાસને લગતી તકલીફો ધરાવતા દર્દીઓ,વૃધ્ધો, બિમાર તથા નાના બાળકો પર આ વાતાવરણની અસરથી શરદી ખાંસી ન્યૂમોનિયા જેવી બિમારીનો ખતરો વધ્યો છે.આવામા શનિવાર તથા રવિવારે ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા છે.આ ઠંડીનો કહેર આગામી જાન્યુઆરી દરમિયાન પણ જોવા મળશે ત્યારે ગુરુવારે વડોદરા શહેરનું મહત્તમ તાપમાન 30.6°સેલ્શિયસ તથા લઘુત્તમ તાપમાન 19°સેલ્શિયસ જોવા મળ્યું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 69%રહેવા પામ્યું હતું.
જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિથી સામાન્ય રીતે દિવસ લાંબો અને રાત ધીમે ધીમે ટૂંકી થતી હોય છે અને ઠંડીનું જોર પણ થોડું ઘટવા લાગે છે પરંતુ આ વખતે જાન્યુઆરી મહિનામાં પણ કડકડતી ઠંડી રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.શિશિર ત્રૃતુનો પ્રારંભ માગશર મહિનાથી એટલે કે ડિસેમ્બર થી થાય છે ત્યારે ગત 21મી ડિસેમ્બરના રોજ થી શિશિર ત્રૃતુનો પ્રારંભ થયો છે જેના કારણે ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે પંચાગ અનુસાર આજથી એટલે કે 27 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાતમાં ગાત્રો થિજાવતી ઠંડી પડશે.બીજી તરફ તા. 28 થી 30 ડિસેમ્બર દરમિયાન ઉત્તર ભારતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે જેના કારણે આજથી ત્રણ દિવસ સુધી ગાત્રો થિજાવતી ઠંડી જોવા મળે તો નવાઇ નહીં.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શનિવાર અને રવિવારે માવઠું થવાની વકી સેવાઇ રહી છે જેના કારણે વર્ષ 2024ના અંતે ઉત્તર ગુજરાતમાં તાપમાન 8° સેલ્સિયસ સુધી નીચે જવાની શક્યતા છે. 31 ડિસેમ્બર થી શિયાળાની ઋતુ ની ધોરી નસ સમાન પોષ માસની શરૂઆત થશે આ કારણે જ નવવર્ષ 2025ની શરુઆત થી ઠંડીનું જોર રહેશે.જાન્યુઆરી 3 થી 5જાન્યુઆરી ઠંડા બર્ફીલા પવનો ફૂકાશે તથા 7મી જાન્યુઆરીએ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં શીતલહેર સાથે ધૂમ્મસ અને કડકડતી ઠંડી જોવા મળી શકે છે તે જ રીતે આગામી 8 અને 9 જાન્યુઆરી તથા 12 અને 13જાન્યુઆરી દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનુ જોર વધશે.
આ વર્ષે મકરસંક્રાંતિ પર્વે પવનનું જોર રહેવાથી પતંગરસિયાઓને આનંદ રહેશે
આગામી 14જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિ તથા 15મી જાન્યુઆરી ના રોજ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષાની શક્યતાઓ છે તેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ઠંડા પવનો રહેશે આ વખતે પતંગ રશિયાઓને નિરાશ નહીં થવું પડે પરંતુ આ પાવન એક સમાન ન રહેતા બદલાતા રહેશે જેના કારણે ક્યારેક હળવા તો ક્યારેક માધ્યમથી ભારે પવન ફૂકાશે તથા 16 થી 18 જાન્યુઆરી દરમિયાન વાદળો સાથે માવઠું થવાની શક્યતા છે સાથે જ આગામી 21 થી 23 જાન્યુઆરી દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે
આજથી આગામી જાન્યુઆરી દરમિયાન કયા પ્રકારનું વાતાવરણ જોવા મળશે?
*આજથી તા.31મી ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ગાત્રો થિજાવતી ઠંડી પડશે
*28 અને 29 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા
*વર્ષ -2025ની શરુઆતમાં તા. 1 અને 2જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન નો પારો 8°સેલ્શિયસ સુધી નીચે જવાની શક્યતા
*આગામી તા. 3 થી 5 જાન્યુઆરી દરમિયાન ઠંડા પવનનું જોર વધતું જોવા મળશે
*6 થી 7 જાન્યુઆરી દરમિયાન ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા ને કારણે ઉત્તર ગુજરાતમાં શીતલહેર, ધુમ્મસ સાથે કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળશે
*8 અને 9 જાન્યુઆરી તેમજ 12 અને 13 જાન્યુઆરી દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધશે
16 થી 18 જાન્યુઆરી દરમિયાન વાદળછાયા વાતાવરણ સાથે ગુજરાતના કેટલાક ભાગોમા માવઠું પડશે.
*21 થી 23 જાન્યુઆરી દરમિયાન હવામાનમાં અણધાર્યો પલટો જોવા મળી શકે છે જેના કારણે વાદળછાયા વાતાવરણ સાથે પવન અને માવઠાની શક્યતા છે.