આણંદ શહેર પાસેના ગામડી ગામમાં રહેતા મહારાષ્ટ્રીય પરિવારમાં માતા-પુત્રના મોત
મહારાષ્ટ્રીય હિન્દુ યુવતીએ મુસ્લીમ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા
(પ્રતિનિધિ) આણંદ તા.28
આણંદ શહેર પાસેના ગામડી ગામમાં રહેતા પરિવારમાં માતા – પુત્રના મોતને લઇ ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં માતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જોકે, તેના 8 વર્ષના માસુમ બાળકનું મોત રહસ્યમય બન્યું છે. આ બાળકનું મોત કેવી રીતે થયું ? તે અંગે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ છે. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા મહારાષ્ટ્રીય હિન્દુ પરિવારની હતી અને તેણે મુસ્લીમ યુવક સાથે લગ્ન કર્યાં હતાં. હાલ સ્યુસાઇટ નોટ પરથી આ બનાવ ઘરકંકાસનો હોવાનું પોલીસ માની રહી છે.
આણંદ શહેરના ગામડી ગામમાં જૈતુન પાર્કમાં રહેતા અંસાર લતીફભાઈ શેખ મુળ મહારાષ્ટ્રીય છે. અંસાર છેલ્લા દસેક વર્ષથી આણંદમાં રહે છે અને ખાનગી કંપનીમાં માર્કેટીંગનું કામ કરે છે. દરમિયાનમાં આઠેક વર્ષ પહેલા તેણે મહારાષ્ટ્રીય હિન્દુ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યું હતું. આ લગ્ન બાદ તેનું નામ અનમ અંસાર શેખ રાખ્યું હતું. આ લગ્નજીવનમાં તેમને એક પુત્ર અઝાનનો જન્મ પણ થયો હતો. દરમિયાનમાં અંસાર તેની કંપનીના કામ અર્થે બે દિવસથી બહાર ગામ હતો, તે સમયે ઘરે અમન અને અઝાન એકલા હતાં. પરંતુ મંગળવારની સવારે અંસાર ઘરે આવ્યો તે સમયે અમનને ગળેફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતાં ચોંકી ગયો હતો. આ ઉપરાંત નજીકમાં તેના માસુમ પુત્ર અઝાન (ઉ.વ.8)નો મૃતદેહ પણ પડ્યો હતો.
આ અંગે શહેર પોલીસને જાણ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર વી. ડી. ઝાલા સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને માતા – પુત્રના મૃતદેહનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. આ સમયે દિવાલ પર સ્યુસાઇટ નોટ મળી આવી હતી. આ નોટના લખાણના પગલે સમગ્ર મામલો ઘર કંકાસનો હોવાનું પોલીસ માની રહી છે. આમ છતાં પોલીસે આ બાબતે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર ખાતે રહેતા અંસાર અને અનમના પરિવારને જાણ કરી તેમના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.