સમગ્ર સારવાર અને સર્જરી સયાજી હોસ્પિટલમાં સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવી
(પ્રતિનિધિ), વડોદરા | તા. 7
વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી આજે એક અજીબો-ગરીબ પરંતુ ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈથી સગા સંબંધીઓને મળવા વડોદરા આવેલી 15 વર્ષીય ઇશરા શાહ નામની કિશોરી અચાનક હિજાબમાં લગાવવામાં આવતી 4mmની તીક્ષ્ણ પિન ગળી ગઈ, જેના કારણે તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો.

ઘટના બન્યાના માત્ર બે-ત્રણ કલાકમાં જ કિશોરીને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કરાયેલા એક્સ-રેમાં ખુલ્યું કે પિન શ્વાસનળીના વિભાજન ભાગ પાસે ડાબી બાજુના નીચેના ફેફસાંમાં અટવાઈ ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક એનેસ્થેશિયા નિષ્ણાતની મદદથી કિશોરીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી.

ENT વિભાગના નિષ્ણાંત ડૉ. રાહુલ ગુપ્તાની ટીમે બ્રોન્કોસ્કોપી પદ્ધતિ દ્વારા લગભગ 45 મિનિટથી એક કલાકની જટિલ સર્જરી કરી, કોઈ ચીરો પાડ્યા વગર પિન સફળતાપૂર્વક બહાર કાઢી હતી. ડૉ. ગુપ્તાએ જણાવ્યું કે પિન ગળા પરથી ફેફસાં સુધી ઘણી અંદર સુધી પહોંચી ગઈ હતી અને કાઢતી વખતે તે થોડી વળી પણ ગઈ હતી, જેના કારણે પ્રક્રિયા મુશ્કેલ બની હતી.

સદનશીબે સમયસર સારવાર મળતા કિશોરીના ફેફસાંને કોઈ ગંભીર નુકશાન થયું ન હતું. ડૉક્ટરે વધુમાં જણાવ્યું કે સેફ્ટી પિન જેવી તીક્ષ્ણ વસ્તુઓ ફેફસા કે હૃદય સુધી ગંભીર ઈજા પહોંચાડી શકે છે, તેથી આવા કિસ્સામાં સમયસર હોસ્પિટલ પહોંચવું અત્યંત મહત્વપૂર્ણ છે.
બે દિવસ સુધી એન્ટિબાયોટિક ઈન્જેક્શન અને પોસ્ટ-ઓપરેટિવ ચેસ્ટ એક્સ-રે બાદ કિશોરીને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરી રજા આપવામાં આવી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ સમગ્ર સારવાર અને સર્જરી સયાજી હોસ્પિટલમાં સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવી હતી, જ્યારે ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરીનો અંદાજિત ખર્ચ ₹60,000 થી ₹70,000 સુધીનો થાય છે.

આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. બાળકો અને કિશોરીઓ દ્વારા સેફ્ટી પિન કે તીક્ષ્ણ વસ્તુઓ મોઢામાં રાખવાની આદત જીવલેણ સાબિત થઈ શકે છે. સતત જાગૃતિ અને સાવચેતી અતિ આવશ્યક છે.