બકરાને પાણી પિવડાવવા જતા તળાવમા બની ઘટના
મગર વૃઘ્ઘાને દબોચી આટાફેરા કરતો રહ્યો
વાઘોડિયા
તાલુકાના હાંસાપુરા ગામે 72 વર્ષીય વૃદ્ધાને જડબામાં દબોચી તળાવમાં આટા ફેરા કરતા મગરનો વિડીયો વાયરલ થતા, વનવિભાગ અને જરોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તળાવના જાડી જાખરામાં છુપાયેલા મગરને શોધી વૃદ્ધાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામે બકરા ચરાવવા ગયેલી 72 વર્ષીય શ્રમજીવી વૃઘ્ઘા જીવીબેન ઈશ્વરભાઈ રાઠોડીયા પશુઓને પાણી પીવડાવવા તળાવમાં જતા ઘાત લગાવી પાણીમા છુપાયેલા મગરને અચાનક હુમલો કરી વૃઘ્ઘાને કોણીથી જડબામા દબોચી ઊંડા પાણીમાં લઈ જઈ શિકાર કર્યો હતો. તળાવ પાસેથી પસાર થતા કેટલાક લોકોએ તળાવમા વૃદ્ધાને લઈ આટાફેરા કરતા મગરનો વિડીયો મોબાઈલમા કેદ કરી ગ્રામજનો, વનવિભાગ અને જરોદ પોલીસને ઘટના અંગેની જાણ કરી હતી.
ત્યારબાદ વાઘોડિયા વન વિભાગ અને જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તળાવના જાડી જાંખરામાં છુપાયેલા મગરના જડબામાંથી વૃદ્ધાનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2025 ની શરૂઆત તથા જ તાલુકામા નદિ તળાવમા વસતા મગરના હુમલાનો ભોગ ગ્રામજનો બનતા હોય તેવા કિસ્સા વધુ પ્રકાશમાં આવી રહ્યા છે.
