Vadodara

હાવડા–અમદાવાદ એક્સપ્રેસમાંથી રૂ.6.18 લાખનો 12.360 કિલો ગાંજાનો જથ્થો જપ્ત

સુરતથી વડોદરા વચ્ચે ટ્રેનમાંથી ફરી ગાંજાની હેરાફેરી ઝડપાઈ

વડોદરા, તા. 5
હાવડા–અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ફરી એકવાર નશીલા પદાર્થોની હેરાફેરીનો બનાવ સામે આવ્યો છે. સુરતથી વડોદરા આવી રહેલી આ ટ્રેનમાં રેલવે એસઓજીની ટીમે બિનવારસી હાલતમાં પડેલી ટ્રોલી બેગમાંથી રૂ.6.18 લાખ કિંમતનો 12.360 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી લીધો છે. જો કે, ગાંજાનો કેરિયર મળ્યો ન હોવાથી તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેમાં દોડતી વિવિધ ટ્રેનો મારફતે ગાંજો, ડ્રગ્સ અને દારૂ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાના બનાવો વધતા જતા રેલવે પોલીસ, એસઓજી અને એલસીબી દ્વારા સતત ટ્રેનોમાં ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે.
પશ્ચિમ રેલવે પોલીસ અધિક્ષક અભય સોનીની સૂચના મુજબ “મિશન સેફ સ્ટેશન” અભિયાન અંતર્ગત આંતરરાજ્ય ટ્રેનો મારફતે ગુજરાતમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ રેલવે એસઓજી પી.એસ.આઈ. ડી.ડી. વણકરની સુચના મુજબ પશ્ચિમ રેલવેની એનડીપીએસ ડેડિકેટેડ ટીમે તારીખ 4 ફેબ્રુઆરીના રોજ સુરત રેલવે સ્ટેશનથી હાવડા–અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.
ટ્રેન મકરપુરા રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી વખતે એસ-1 અને એસ-2 કોચ વચ્ચેના કોરિડોરમાં એક શંકાસ્પદ બિનવારસી ટ્રોલી બેગ જોવા મળી હતી. બાદમાં ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર પહોંચતા વડોદરા રેલવે પોલીસની હાજરીમાં બેગ ખોલી તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ટ્રોલી બેગમાંથી 12.360 કિલોગ્રામ ગાંજો (કિંમત રૂ.6.18 લાખ) તેમજ ટ્રોલી બેગ (કિંમત રૂ.1 હજાર) મળી કુલ રૂ.6.19 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા ગાંજાના કેરિયરની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top