Halol

હાલોલ બાયપાસ પર ટ્રેલરે દંપતીની બાઈકને ટક્કર મારી: મહિલાનું ઘટનાસ્થળે મોત

અક્ષર પાર્ટી પ્લોટ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, પતિ ગંભીર ઇજાગ્રસ્ત

ટ્રેલર ચાલક સામે પોલીસનો ગુનો નોંધાયો, તપાસ શરૂ
હાલોલ, તા. ૨૮
હાલોલ–વડોદરા–ગોધરા બાયપાસ રોડ પર ટ્રેલર ચાલકે બાઈકને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર દંપતી પૈકી મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે પતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે ટ્રેલર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ તાલુકાના વેજલપુર ખરસાલીયા ડેરી ફળિયામાં રહેતા રાજેન્દ્રસિંહ અર્જુનસિંહ ચૌહાણ પોતાની પત્ની શકુન્તલાબેન સાથે ખરસાલીયાથી કંજરી ગામે જઈ રહ્યા હતા. આ દરમિયાન હાલોલ બાયપાસ રોડ પર અક્ષર પાર્ટી પ્લોટ સામે પાટીયાના મુવાડા ગામના નાકા પાસે પાછળથી પૂરઝડપે આવેલા ટ્રેલર ચાલકે બેદરકારીપૂર્વક બાઈકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બંને પતિ-પત્ની રોડ પર પટકાતા શકુન્તલાબેનને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રાજેન્દ્રસિંહને ગંભીર ઇજાઓ થતાં તેમને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક તપાસ બાદ ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો હતો. પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ શરૂ કરી છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top