Halol

હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ખાનગી વાહનોના પાર્કિંગનો અડ્ડો બનતા એસટી તંત્ર દ્વારા વાહનો પર સ્ટીકર લગાવી ચેતવણી અપાઈ


હાલોલ: હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ખાનગી વાહનો પાર્કિંગનો અડ્ડો જામી જતા એસટી તંત્રે હરકતમાં આવી બસ સ્ટેન્ડની અંદર પાર્ક કરેલા ખાનગી વાહનો પર સ્ટીકર લગાવી ચેતવણી આપી હતી. બસ સ્ટેન્ડની અંદર વાહન પાર્ક કરવા નહીં, અન્યથા પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવા પાર્ક કરેલી ગાડી પર સ્ટીકર લગાવી ખાનગી વાહન ચાલકોને તાકીદ કરવામાં આવી હતી. હાલોલ બસ સ્ટેન્ડની અંદર ખાનગી વાહનો પાર્ક નહીં કરવા બાબતનું જાહેરનામું હોવા છતાં પણ ખાનગી વાહન ચાલકો દ્વારા વાહન પાર્ક કરવામાં આવતા હોવાનું તેમજ પાર્કિંગ કરેલા આ ખાનગી વાહનોમાં અનૈતિક એક્ટિવિટી થતી હોવાનું કહેવાય છે. બસ સ્ટેન્ડમાં એસટીને આવવા જવામાં અડચણરૂપ વાહનોના કારણે ઘણી વાર ખાનગી વાહન ચાલકો સાથે એસટીના કર્મચારીઓને સંઘર્ષમાં ઉતરવું પડતું હોવાનું એસટી તંત્રને ધ્યાને આવતા આ બધા પરિબળોને ધ્યાનમાં લઇ હાલોલ એસટી સત્તાવાળાઓ દ્વારા બસ સ્ટેન્ડ ની અંદર પાર્ક કરેલા ખાનગી વાહનોના મેઈન ગ્લાસ પર ઉપર સ્પીકર ચોટાડી વાહન ચાલકોને તાકીદ ની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે આ અંગે હાલોલ એસટી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ આ ચેતવણીના સ્ટીકર લગાવ્યા બાદ પણ આ પ્રકારે ખાનગી વાહનો બસ સ્ટેન્ડની અંદર પાર્ક કરવામાં આવશે તો કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવાની ફરજ પડશે.

Most Popular

To Top