એકથી વધુ ગોડાઉન સાથે ત્રણ કાચા મકાનો બળી ખાક, ફાયર ટીમોની ભારે જહેમત
હાલોલ–કાલોલ–ગોધરાની ફાયર ટીમોની મદદથી આગ પર કાબૂ
હાલોલ: હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર ભંગારના ગોડાઉનમાં બપોરે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં નજીકમાં આવેલા ચાર જેટલા અન્ય ગોડાઉન પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા હાલોલ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગની તીવ્રતા વધુ હોવાને કારણે હાલોલ ઉપરાંત કાલોલ, ગોધરા અને ઔદ્યોગિક એકમોની ફાયર ટીમોની મદદ લેવી પડી હતી. આગના ગોટેગોટા દૂર સુધી દેખાતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા.

આગમાં ત્રણ મકાનો ખાક, ફાયર સેફ્ટી વગરના ગોડાઉન અંગે ફરી પ્રશ્નો ઊઠ્યા
સ્ક્રેપ ગોડાઉનમાં સંગ્રહિત પ્લાસ્ટિક, સ્પંજ, લેધર અને લાકડાના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેમાં નજીકના ત્રણ કાચા મકાનો પણ બળી ગયા હતા. જોકે પરિવારો સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી. વિસ્તારમાં વારંવાર આગની ઘટનાઓ બનતી હોવાને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જરૂરી મંજૂરી તથા ફાયર સેફ્ટી વિના ચાલતા ભંગારના ગોડાઉનો સામે સઘન તપાસ કરવાની માંગ ઉઠી છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ