Halol

હાલોલ નગરમાં ચિન્મય અમૃત વાહિની યાત્રાનું ભવ્ય સ્વાગત

ચિન્મય મિશનની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલી યાત્રાને નગરજનો દ્વારા ઉષ્માભેર આવકાર

હાલોલ | તા. 23-01-2026
સ્વામી ચિન્મયાનંદજી દ્વારા સ્થાપિત અને મુંબઈના પવઈ ખાતે મુખ્ય મથક ધરાવતા આંતરરાષ્ટ્રીય ચિન્મય મિશનની સ્થાપનાની 75મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત ચિન્મય અમૃત વાહિની યાત્રા હાલોલ નગરમાંથી પસાર થતાં શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે હાલોલ નગરમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ચિન્મય મિશન દ્વારા તા. 31 ડિસેમ્બર, 2025ના રોજ “રાઈઝીંગ ભારત” થીમ સાથે આ અમૃત યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. દસ લાખથી વધુ યુવાનોમાં આધ્યાત્મિક જાગૃતિ લાવવાના હેતુ સાથે શરૂ થયેલી આ યાત્રા પુણે મુકામેથી પ્રસ્થાન કરી 35,000 કિલોમીટરની અંદાજે 295 દિવસની યાત્રા પૂર્ણ કરશે.
આજ રોજ ચિન્મય અમૃત વાહિની યાત્રા હાલોલના રાજમાર્ગ પરથી પસાર થતાં પરમ પૂજ્ય કંજરી મહંત શ્રીરામશરણદાસજી મહારાજ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હરીશભાઈ ભરવાડ, નગરપાલિકા ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ, કલરવ શાળાના આચાર્ય ડૉ. કલ્પનાબેન જોષીપુરા, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી તથા રોટરી ક્લબ ઓફ હાલોલના પ્રમુખ હાર્દિકભાઈ જોષીપુરા, નગરપાલિકાના સભ્યો, કલરવ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્વામી ચિન્મયાનંદજીની પાદુકા તથા મૂર્તિની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. સાથે જ સ્વામીજી દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ વસ્તુઓનું મોબાઈલ વાનમાં પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેનો લાભ હાલોલના નગરજનોએ લીધો હતો.
ચિન્મય અમૃત યાત્રાએ હાલોલ નગરમાં આધ્યાત્મિક ઉર્જા અને ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top