૪.૭૫ લાખ રૂપિયાની તાત્કાલિક વસૂલાત, ઝુંબેશ આગળ પણ ચાલુ રહેશે
હાલોલ: હાલોલ નગરપાલિકા દ્વારા શહેરમાં વેરા વસૂલાતને લઈને કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પાલિકાની વારંવાર લેખિત નોટિસ આપ્યા છતાં બાકી વેરા ન ભરનાર દુકાનદારો સામે શુક્રવારના રોજ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમે બે દુકાનોને સીલ મારતાં જ આસપાસના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

પાલિકાની આ કાર્યવાહી બાદ અનેક વેરા બાકીદારો તાત્કાલિક ધોરણે સ્થળ પર જ બાકી વેરાની રકમ ભરપાઈ કરવા દોડી આવ્યા હતા. પરિણામે નગરપાલિકાએ અંદાજે રૂ. ૪.૭૫ લાખની વેરા વસૂલાત કરી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું છે. પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે વેરા વસૂલાતની આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.
હાલોલ નગરપાલિકાએ તાજેતરમાં શહેરભરમાં વેરા વસૂલાત માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. છેલ્લા બે દિવસથી પાલિકાની ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાતા વેરા બાકીદારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ પાલિકા ટીમ વેરા બાકીદારો પાસે પહોંચી હતી, પરંતુ વેરો ભરવામાં નિષ્ફળ રહેનાર બે દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી.
પાલિકા તંત્રના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં શહેરના રહેણાંક વિસ્તારોમાં પણ બાકી વેરા ધરાવતા મિલકતધારકો સામે કાર્યવાહી કરવામાં આવશે. જો રહેણાંક મિલકતધારકો સમયસર વેરો ભરશે નહીં, તો તેમના મકાનોના નળ કનેક્શન કાપવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ