Halol

હાલોલ નગરપાલિકાના સફાઈ કામદારોના હક માટે ઉગ્ર આંદોલન: ત્રીજા દિવસે પણ તંત્ર મૌન

ખાલી જગ્યાઓ ભરવાની માગ, વર્ષોથી સેવા આપતા હોવા છતાં કર્મચારીઓને હક અને સુરક્ષા મળતી નથી

હાલોલ::
હાલોલ નગરપાલિકાના સફાઈ કામદારોને ન્યાય અપાવવા અને વર્ષોથી લંબિત પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા માટે સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા ઉગ્ર આંદોલન ચાલુ છે. આ આંદોલન આજે સતત ત્રીજા દિવસે પણ અડગ રીતે ચાલુ રહ્યું છે, છતાં નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિયતા દાખવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

સફાઈ કામદારોની મુખ્ય માંગ મુજબ નગરપાલિકામાં ખાલી પડેલી કુલ જગ્યાઓ પર હાલ સેવા આપતા શ્રમિકોને સમાવેશ કરીને તેમને કાયમી ધોરણે ન્યાય આપવામાં આવે. વર્ષોથી સેવા આપતા હોવા છતાં કર્મચારીઓને હક અને સુરક્ષા મળતી નથી, જે અત્યંત દુર્ભાગ્યજનક બાબત હોવાનું સંગઠન દ્વારા જણાવાયું છે.
આ પ્રસંગે અખિલ ભારતીય શ્રમિક સંઘ અને સામાજિક એકતા જાગૃતિ મિશન ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિમલ સોલંકીએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, “નગરપાલિકાનું તંત્ર શ્રમિકોના હક પ્રત્યે જે ઉદાસીનતા દાખવી રહ્યું છે તે નિંદનીય છે. આંદોલનનો ત્રીજો દિવસ પૂર્ણ થવા છતાં સત્તાધીશો મૌન છે. જો તાત્કાલિક ધોરણે ખાલી જગ્યાઓ પર કર્મચારીઓનો સમાવેશ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે, તો સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘના નેજા હેઠળ વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન કરવામાં આવશે.”
આ આંદોલનમાં હાલોલ નગરપાલિકાના મોટી સંખ્યામાં સફાઈ કામદારો તેમજ સંગઠનના આગેવાનો હાજર રહી પોતાના હક માટે એકજૂટ થઈને વિરોધ નોંધાવી રહ્યા છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ.

Most Popular

To Top