Halol

હાલોલ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના ધરણા

નોકરી કાયમી કરવાની માંગ, ન સ્વીકારાય તો અન્ન ત્યાગ આંદોલનની ચીમકી

હાલોલ:
હાલોલ નગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા મહિલા અને પુરુષ સફાઈ કર્મચારીઓએ પોતાની નોકરી કાયમી કરવાની માંગ સાથે બુધવારથી નગરપાલિકા કચેરીની બહાર ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. આ આંદોલન સામાજિક એકતા જાગૃતિ મિશન તથા અખિલ ભારતીય શ્રમિક સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિમલ સોલંકીની આગેવાની હેઠળ યોજાયું હતું.

સફાઈ કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેઓ ઘણા વર્ષોથી નગરપાલિકામાં સેવા આપી રહ્યા હોવા છતાં તેમને હજુ સુધી કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો નથી. જેના કારણે નોકરીની સુરક્ષા, યોગ્ય પગાર, રજા તેમજ અન્ય સરકારી સુવિધાઓથી તેઓ વંચિત રહે છે.
મળતી માહિતી મુજબ, સફાઈ કર્મચારીઓએ ગત 13 જાન્યુઆરી 2016ના રોજ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી અને 15 દિવસની અંદર નિર્ણય ન લેવાય તો આંદોલનની ચેતવણી આપી હતી. તેમ છતાં આજદિન સુધી નગરપાલિકા તંત્ર તરફથી કોઈ લેખિત જવાબ કે સ્પષ્ટ નિર્ણય આપવામાં આવ્યો નથી, જેના કારણે કર્મચારીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે.
હાલ આ આંદોલનમાં 60થી 70 જેટલા મહિલા અને પુરુષ સફાઈ કર્મચારીઓ જોડાયા છે. કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આરટીઆઈથી પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ નગરપાલિકામાં વર્ગ-4ના કુલ 67 પદો ખાલી છે. ઉપરાંત મહેકમ ખર્ચ સરકાર દ્વારા નક્કી કરેલી 45 ટકાની મર્યાદાથી ઓછો હોવા છતાં કર્મચારીઓને કાયમી કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સફાઈ કર્મચારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ધરણા પ્રદર્શન અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખવામાં આવશે અને જરૂર પડ્યે અન્ન ત્યાગ આંદોલન પણ શરૂ કરવામાં આવશે.
સફાઈ કર્મચારીઓની હડતાલને કારણે હાલોલ શહેરની સફાઈ વ્યવસ્થા પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે નગરપાલિકા તંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે, તે બાબતે કર્મચારીઓ સહિત નગરજનોની નજર મંડાઈ છે.

રિપોર્ટર::યોગેશ ચૌહાણ, હાલોલ

Most Popular

To Top