જળાશયમાં હાલનું લેવલ 87.92 મીટર પહોંચ્યું :
નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા :
( પ્રતિનિધી )વડોદરા,તા.30
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા દેવ જળાશયમાં વરસાદની આવક વધતા અગાઉ 1 દરવાજો 0.15 મીટર ખોલવામાં આવ્યા હતા. તેમાં સવારે 9 કલાકે વધારો કરીને હવે 2 દરવાજા 0.3 મીટર કરવામાં આવેલા છે. જળાશયમાં હાલનું લેવલ 87.92 મીટર છે.

દેવ ડેમ સતત પાણીની આવકના કારણે ભરાયો છે. આ બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. જેમાં વાઘોડિયાના ફલોદ ગામને અસરગ્રસ્ત તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ દેવ ડેમની જળ સપાટી 87.92 મીટરે પહોચી છે. જળાશયના ઉપરવાસમાં સતત વરસાદને કારણે રૂલ લેવલ જાળવવા જળાશયનો 1 દરવાજો 0.15 મીટર ખોલવામાં આવ્યો હતો. બાદમાં સવારે નવ કલાકે તેમાં વધારો કરીને 2 દરવાજા 0.3 મીટર કરવામાં આવ્યા છે.

આઉટ ફ્લો 1870.28 ક્યુસેક અને ઈનફ્લો 3152.68 ક્યુસેક છે.હાલ એફઆરએલ 89.65 મીટર અને લેવલ 87.92 મીટર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.