હાલોલ.2.11.2025
હાલોલના ગોપીપુરા તાજપુરા રોડ ઉપર ગઈકાલે શનિવારે બપોરે બાઇક ચાલક અને બસ વચ્ચે અક્સ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ.બનાવ અંગે પોલીસે બસ ચાલક સામે અક્સ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે હાલોલ તાલુકાના કડાચલા ગામે રહેતા મુકેશભાઈ લાલસિંગભાઈ રાઠવા ઉ.વ ૩૫ શનિવારે તાજપુરાથી હાલોલ તરફ ગોપીપુરા રોડથી પરત ફરી રહ્યો હતો દરમ્યાન સામેથી આવતી એક બસ જેના ઉપર આઈ હોસ્પિટલ લખેલું હતું, જે બસના ચાલકે ગફલત ભર્યું અને પૂર ઝડપે બસ હંકારી સામેથી આવતા મુકેશભાઈ રાઠવાના બાઇકને અડફેટમાં લેતા અક્સ્માત સર્જાયો હતો સર્જાયેલા અક્સ્માતમાં મુકેશભાઈ રાઠવાને શરીર તેમજ માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

બનાવને પગલે રાહદારીઓ દોડી આવ્યા હતા અને અકસ્માત નો ભોગ બનેલા મુકેશભાઈ રાઠવાને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યારે બનાવ અંગેની જાણ હાલોલ રૂરલ પોલીસ મથકને થતા ઘટના સ્થળ પર દોડી આવી પ્રાથમિક તપાસ બાદ બસ ચાલક સામે અક્સ્માત નો ગુનો નોંધી મુકેશભાઈ રાઠવાના મૃતદેહ ને પીએમ કરાવી તેમના પરિવારને સોંપ્યો હતો.