હાલોલ–ગોધરા બસમાં ચઢતી વેળાએ ચોરી કરી ગઠિયો ફરાર, પોલીસે તપાસ શરૂ કરી
હાલોલ::
હાલોલ એસટી ડેપોમાં ભીડનો લાભ લઈ ગઠિયાઓ દ્વારા મહિલાના પાકીટમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમની ચીલઝડપ કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની વિગત મુજબ, હાલોલના વડોદરા રોડ પર જૈન મંદિર પાસે પટેલના મકાનમાં રહેતા રીના સુનિલ પાટીદાર (ઉ.વ. 29) 24 જાન્યુઆરીના રોજ સવારે અંદાજે 7 વાગ્યાના સમયે તેમના પતિ સાથે હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ગોધરા જવા માટે આવ્યા હતા. ગોધરાની એસટી બસ આવતા મુસાફરોની ભારે ભીડ હોવાથી તેમના પતિ પહેલા બસમાં ચઢી ગયા હતા અને ત્યારબાદ રીનાબેન બસમાં ચઢ્યા હતા.
બસમાં ચઢ્યા બાદ રીનાબેને ખભે લટકાવેલા પાકીટની ચેન ખુલ્લી હોવાનું જણાતા તપાસ કરતાં અંદર રાખેલું નાનું પાકીટ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ નાના પાકીટમાં રૂ.56,000ની સોનાની ચેન, રૂ.28,000ના કાનના ઝુમખાં તેમજ રૂ.7,000 રોકડ મળી કુલ રૂ.91,000ની મત્તા હતી, જે કોઈ ગઠિયો ચોરી કરી ગયો હોવાનું જણાયું હતું.
ઘટનાપછી તરત જ તપાસ કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી ચોર મળી ન આવતા રીનાબેને હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે હાલોલ બસ સ્ટેન્ડ પર ગેરકાયદેસર વાહનો મૂકીને અડ્ડો જમાવી દેવામાં આવતા મુસાફરો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેમ છતાં એસટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, તેવી સ્થાનિકોમાંથી ફરિયાદ ઉઠી છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ