• અગાઉના ઝઘડા અને વ્યક્તિગત અદાવતમાંથી બન્યો હતો બનાવ
• હાલોલ ટાઉન પોલીસ દ્વારા ચારેય આરોપીઓને પકડી જેલ હવાલે કરાયા
હાલોલ, તા.13
હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા શરીર સંબંધિત ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી ચાર આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બનાવ અગાઉ થયેલા ઝઘડા અને વ્યક્તિગત અદાવતના કારણે બન્યો હતો.
પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શરીર સંબંધિત ગુનાઓ પર કાબૂ મેળવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને હાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. જાડેજા દ્વારા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ ટીમને સૂચના આપવામાં આવી હતી.
સર્વેલન્સ ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. ઝાલા તથા પોલીસ સ્ટાફે કામગીરી હાથ ધરી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં વિક્રમસિંહ ઉર્ફે બંટી અશ્વીનસિંહ રાણા, વિશાલભાઈ ઉર્ફે વાસુ વિઠ્ઠલભાઈ સોલંકી, વિશાલભાઈ અરવિંદભાઈ પરમાર અને વિષ્ણુભાઈ ઉર્ફે વિશા અરવિંદભાઈ પરમારનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ