ચંદ્રપુરા રોડ પર GE Vernovaના ફાલેક્સ યાર્ડમાં આગ ભભૂકી, ફાયર બ્રિગેડની બે ટીમે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો
હાલોલ |
હાલોલના ચંદ્રપુરા રોડ ઉપર આવેલી જૂની LM Wind Power અને હાલની GE Vernova કંપનીના ખાખરીયા કેનાલ પાસે આવેલા ફાલેક્સ બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં શનિવારે બપોરના સમયે અચાનક આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
યાર્ડમાં સંગ્રહિત વિન્ડ ટર્બાઇનની વિશાળ બ્લેડોમાં આગ ફેલાતાં જ થોડી જ વારમાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે ઉડતા જોવા મળ્યા હતા. આગની લપેટ ઝડપથી ફેલાતાં આજુબાજુના વિસ્તારમાં દોડધામનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.
બનાવની જાણ થતાં જ હાલોલ ફાયર બ્રિગેડની બે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ સતત પાણીનો મારો ચલાવી અને ભારે જહેમત બાદ આગ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું. લાંબી કામગીરી બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી.
પ્રાથમિક તબક્કે કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આગના કારણે સ્ટોરેજ યાર્ડમાં રાખેલી વિન્ડ ટર્બાઇન બ્લેડોને મોટું આર્થિક નુકસાન થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે ઘટના બાદ કંપની સંચાલન અને સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ હાથ ધરવામાં આવી છે.