Halol

હાલોલમાં મોટરસાઇકલ ચોરીનો આરોપી ઝડપાયો

સફારી ચોકડી નજીકથી આરોપીની ધરપકડ, બે ગુન્હાઓનો ભેદ ઉકેલાયો
પોલીસે બે મોટરસાઇકલો સાથે રૂ.50 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

હાલોલ: પંચમહાલ જિલ્લામાં મિલકત સંબંધિત ગુન્હાઓ પર અંકુશ મેળવવા માટે ચાલી રહેલી કામગીરીમાં હાલોલ ટાઉન પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે મોટરસાઇકલ ચોરીના આરોપીને ઝડપી પાડતા સાથે જ બે અનડીટેકટ ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
માહિતી મુજબ, ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સફારી ચોકડી નજીક એક વ્યક્તિ ચોરીની મોટરસાઇકલ સાથે ઉભો હોવાની બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક કોર્ડન કરી આરોપીને ઝડપી લીધો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ વિશાલકુમાર લક્ષ્મણભાઈ બારીયા તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન તેણે 17 માર્ચે સફારી કંપની ગેટ પાસે ચાની લારી પાસેથી એક મોટરસાઇકલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ઉપરાંત 13 માર્ચે સુયોગ ઇલેક્ટ્રિકલ કંપનીના પાર્કિંગમાંથી બીજી મોટરસાઇકલ ચોરી કર્યાની વાત પણ સ્વીકારી હતી.
પોલીસે આરોપી પાસેથી બે મોટરસાઇકલો કબજે કરી કુલ રૂ.50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ધરપકડથી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બંને ગુન્હાઓ ઉકેલાયા છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top